કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની દ્વિતીય ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત જુલાઈ -૨૫ થી સપ્ટેમ્બર-૨૫ (બીજો હપ્તો વર્ષ ૨૦૨૫-૨૬) ના કુલ ૯૨ દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર કુલ ૩૪ સંસ્થાઓએ અરજી કરેલ હતી. તે પૈકી જીલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૩૩ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામા આવી છે.
આમ, જિલ્લામાંથી કુલ ૩૩ સંસ્થાઓના બીજા તબક્કાના કુલ ૬૯૯૩ પશુઓ માટે પ્રતિ દિન રૂ.૩૦ પશુ લેખે કુલ રૂ.૧,૯૩,૦૦,૬૮૦ ની સહાય મંજૂર કરવામાં આવી અને મંજૂર થયેલ અરજીઓને ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, ઘનિષ્ટ પશુસુધારણા યોજના સમિતિના જીલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતાં.