૩ કરોડના એવોર્ડ વસૂલાતના દાવા સામે ૮૯ લાખ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ

  • May 16, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
૧૦પ વર્ષ પહેલાના જમીન જામીનગીરી ઉપર લોન પ્રકરણમાં ૧૯૬૨ના સરકાર પાસે રૂપિયા ૩ કરોડ વળતર વસૂલવાના દાવા ઉપરની ૨૦૦૯ની અપીલમાં જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. સિંઘે આખરી ચુકાદામાં રૂપિયા ૮૯ લાખનું વળતર મંજુર કરતા, રાજકોટના સરકારી વકીલોએ ગુજરાત સરકારને મોટો આર્થિક લાભ કરાવી આપ્યો છે. જેમાં જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. સિંઘે સરકારની તરફેણમા આખરી ચુકાદો આપી ઠરાવેલ છે કે, વાદીની જમીનો અનઅધિકૃત રીતે જાળવી રાખવા બદલ વળતરની વ્યાજ સહીતની રકમ ૩ કરોડ નહી પરંતુ ફકત ૮૯ લાખ થાય છે.

આ કેસની હકિકત મુજબ, રાજકોટના ગોકળદાસ અમરશીભાઈએ વર્ષ-૧૯૨૦માં જામનગર જિલ્લાના ૫-ગામોની પોતાની જમીનો રૂા.૫,૦૦૦/-ની લોન પેટે જામીનગીરી કરી આપી હતી. તેના ૮ વર્ષ બાદ તેઓએ આ લોનની ભરપાઈ કરી આપતા લોન આપનાર પાસેથી પોતાની જમીનો પરત માગી હતી. આ સમયે આ જમીનો જે તે વખતના સૌરાષ્ટ્ર રાજયએ હસ્તગત કરી હતી. તેથી વાદી ગોકળદાસે પોતાની આ જમીનો સૌરાષ્ટ્ર રાજ્ય પાસેથી પરત માગેલ, પરંતુ વહીવટી પ્રક્રિયાઓમાં લાંબા સમયના કારણે ૧૯૫૫ સુધી આ જમીનો વાદી ગોકળદાસને પરત મળેલ ન હતી. વર્ષ-૧૯૫૫માં સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ એકટ આવતા વાદી ગોકળદાસનો આ જમીનો ઉપરનો માલીકી હકક જતો રહ્યો હતો. ત્યારબાદ વાદી ગોકળદાસે ૧૯૬૨માં દાવો કરી સરકાર સામે દાદ માગેલ કે તેઓનો માલિકી હકક કાયદાકીય જોગવાઈઓથી જતો રહેલ ત્યાં સુધી તેઓ જમીનોના ખેતી માટે ઉપયોગ કરી શકેલ નથી અને આ રીતે તેઓને નુકશાની થયેલ છે. તેઓને પાકની નુકશાની વેઠવી પડેલ છે. તેથી તેઓને વળતર મળવુ જોઈએ. આ કેસમાં સિવિલ કોર્ટ અને ડિસ્ટ્રિકટ કોર્ટે વાદીનો આ દાવો સમય મર્યાદા બહાર રજુ થયેલ હોવાના કારણે રદ કરેલ હતો. જે સામે ગુજરાત હાઈકોર્ટે સેકન્ડ અપીલમાં આ દાવો મંજુર કરી કોર્ટ કમિશ્નર મારફત નુકશાનીની રકમ આકારવા ચુકાદો આપેલ હતો. કોર્ટ કમિશ્નરના અહેવાલ મુજબ રાજ્ય સરકારે વાદીને ૭૩ લાખ રૂપિયા ૧૯૬૨થી ૬ %ના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ, જે હુકમ મુજબ રાજય સરકારે વાદીને રૂા. ૩ કરોડ જેવી માતબર રકમ ચુકવવાની થતી હતી. આ અહેવાલમાં કોર્ટ કમિશ્નરે જામનગર જિલ્લાના કુલ ૫ ગામોની જમીન ૧૪,૮૬૪ વીઘા હોવાની ગણતરી કરેલ હતી. આ ચુકાદા સામે રાજય સરકારે વર્ષ-૨૦૦૯માં ડિસ્ટ્રિક્ટ કોર્ટમા અપીલ કરેલ હતી.

આ અપીલની આખરી સુનવણી વખતે સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી કે, વાદીએ પોતાના દાવામાં જે જમીનો અંગે વળતર માગેલ છે, તે જમીનો ૧૪,૮૬૪ વિધા નહી પરંતુ ૨૯૦૦ વીઘા જ થાય છે. આ ઉપરાંત આ જમીનો ઉપર વાદી જો ખેતી કરી શકેલ હોત તો તેઓને આવકની સમગ્ર રકમ મળવાપાત્ર ન હતી. પરંતુ ફક્ત ૧/૩ રકમ જ મળવાપાત્ર રહેતી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા પ્રત્યેક વર્ષની વર્ષા ઋતુમાં થયેલ વરસાદના આંકડાઓ અને જે તે વિસ્તારમાં તે વર્ષના પાકની ઉપજના ચોકકસ આંકડાઓ રાખવામાં આવતા હોય છે. આ વિગતો મુજબ વર્ષ ૧૯૨૮થી ૧૯૪૨ સુધી વાદીની જમીનોની આજુબાજુના તમામ વિસ્તારોની ખેતીની જમીનોનો પાક પ્રતિ વીઘા ૧૨ મણનો જ હતો અને તે વખતે ૧ મણ પાકની કિંમત ૧ રૂપિયાથી લઈને ૩ રૂપિયા સુધીની મળેલ હતી. આ મુજબ ૧૪ વર્ષનો સરેરાશ કાઢતા પ્રતિ વીઘાના એક મણની આવકની કિંમત ૩ રૂપિયાથી ઓછી થતી હતી. પરંતુ કોર્ટ દ્વારા નિમાયેલ કમિશ્નરે પ્રતિ મણની આવકની કિંમત ૩ રૂપિયાથી વધુ ગણેલ હતી. આથી, સરકાર તરફેના ગેઝેટમાં આ મુજબના આંકડાઓ બંને પક્ષકારોએ રજુ કરેલા હતા, ત્યારે આ આંકડાઓથી વિરૂધ્ધની અને વધારે ઉપજ મુજબ ગણતરી થઈ શકે નહી. આ મુજબની તમામ રજુઆતોના અંતે જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વાદીની કુલ જમીન ફકત ૨૯૦૦ વીઘા ગણી પ્રતિ વીઘાની ઉપજ ૧૨ મણ અને તેની કિંમત રૂા. ૩ થી ઓછી ગણી ૩ કરોડના કોર્ટ કમિશ્નરના અહેવાલને ઘટાડીને ડિસ્ટ્રિક્ટ કોર્ટે આખરી એવોર્ડ રૂા. ૮૯ લાખનો કરી આપેલ છે. આ કેસમાં સરકાર વતી એ.જી.પી. કમલેશભાઈ ડોડીયા અને જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરાએ સહયોગમાં કામગીરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application