ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનમાં દિવાળીના તહેવારોને લઇ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા કુલ ૧૦૦ એક્સ્ટ્રા બસની ફાળવણી કરાઇ છે. ખાસ કરીને આજથી સ્કૂલ વેકેશન શરૂ થતા રાજકોટ એસટી બસપોર્ટમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટ બસપોર્ટ ઉપરાંત ડિવિઝન હેઠળના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપોથી જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો દોડાવાશે. રાજકોટ એસટી બસપોર્ટ ખાતે એડવાન્સ બુકિંગ માટે વધારાના કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. અમુક શાળાઓમાં આજથી સ્કૂલ વેકેશન શરૂ થયું છે તો અમુકમાં આવતીકાલથી શરૂ થનાર હોય હવે લાભપાંચમ સુધી ઉતરોતર ટ્રાફિક વધશે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં રાજકોટ એસટી ડિવિઝનને ફાળવેલી નવી ૨૧ ગુર્જર નગરી બસો પણ મુસાફરોની સેવામાં મુકાઇ છે.
આટલા રૂટ ઉપર એક્સ્ટ્રા બસ દોડશે
૧.સુરત
૨.વડોદરા
૩.અમદાવાદ
૪.દાહોદ-ગોધરા
૫.સોમનાથ
૬.દ્વારકા
૭.ઉના
૮.અમરેલી
૯.ભાવનગર
૧૦.ભુજ
૧૧. વધુ ટ્રાફિક હોય તે તમામ રૂટ