BREAKING NEWS

રાજ્યની 50000 થી વધુ શાળાઓમાં આજથી દિવાળી વેકેશન પૂરું

  • November 06, 2025 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાતમાં આવેલી ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં આજથી દિવાળીનું 21 દિવસનું વેકેશન પૂરું થયું છે અને તહેવારોની રજાના કારણે છેલ્લા 21 દિવસથી સુમસામ બનેલ શાળાઓના કેમ્પસ આજથી ધમધમતા થયા છે.

સમગ્ર રાજ્યમાં ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓની અંદાજે 50,000 થી વધુ સંખ્યા છે અને તેમાં ધોરણ 1 થી 12 ના 80 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 16 ઓક્ટોબરથી શાળાઓમાં વેકેશન પડી ગયું હતું અને 21 દિવસ પછી આજે વેકેશન પૂરું થયું છે.

પ્રથમ શૈક્ષણિક સત્રમાં શાળાઓમાં જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ અભ્યાસના 105 દિવસ રહ્યા હતા. આજથી નવું સત્ર શરૂ થયું છે અને તે તારીખ ત્રણ મે સુધી ચાલુ રહેશે. બીજા સત્રમાં અભ્યાસના દિવસો 144 રહેશે.

શાળાઓમાં અને તેમાં પણ ખાસ કરીને ધોરણ નવ થી 12 માં મહત્વના અનેક વિષયોની શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. ખાલી પડેલી આ જગ્યા કાયમી શિક્ષકોથી ભરવાના બદલે જ્ઞાન સહાયકોથી ભરવા માટે સરકારે વેકેશનના સમયગાળા દરમિયાન કાર્યવાહી હાથ કરી હતી. પરંતુ આમ છતાં હજુ 207 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. શિક્ષકોની પૂરતી સંખ્યા વગર સત્ર ચાલુ કરી દેવાયું છે પરંતુ તેના કારણે બાળકોના અભ્યાસને અસર થવાની પણ ભીતી છે.

યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનો અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આવતીકાલથી વેકેશન પૂરું થાય છે. પરંતુ વેકેશન પૂરું થતાની સાથે જ તારીખ 7 નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી કોલેજોમાં આંતરિક મૂલ્યાંકનની કામગીરી ચાલુ રહેવાની હોવાથી બીજું શૈક્ષણિક સત્ર તારીખ 4 ડિસેમ્બર થી શરૂ થશે અને તારીખ 25 એપ્રિલ સુધીનું નવું બીજું સત્ર નક્કી કરવામાં આવ્યું છે.

અમુક ખાનગી શાળાઓમાં દિવાળી પછી શૈક્ષણિક કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. પરંતુ વિધિવત રીતે આજથી નવું સત્ર શરૂ થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application