BREAKING NEWS

દેશના રક્ષણ માટે પરમાણુ બોમ્બ વધારવા આવશ્યક: રશિયાના પૂર્વ પ્રમુખનું નિવેદન

  • January 27, 2026 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે વિશ્વ રાજકારણમાં એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. રશિયાના પ્રતિષ્ઠિત અખબાર 'કોમર્સન્ટ'ને આપેલા ઈન્ટરવ્યુમાં મેદવેદેવે દાવો કર્યો છે કે, ‘પરમાણુ બોમ્બ જ રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર પાકી ગેરંટી છે.’ તેમણે ચેતવણી આપી છે કે વિશ્વમાં વધી રહેલી અસ્થિરતાને જોતા આગામી સમયમાં વધુને વધુ દેશો પરમાણુ હથિયાર મેળવવાની દિશામાં આગળ વધશે.

મેદવેદેવે પરમાણુ શસ્ત્રોના પ્રસાર પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘વિશ્વ વ્યવસ્થામાં તિરાડ પડી છે, જે ઘણા દેશોને પોતાની રક્ષા માટે સૌથી અસરકારક રસ્તો શોધવા મજબૂર કરી રહી છે. કેટલાક દેશો નક્કી કરશે કે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પરમાણુ હથિયાર મેળવવાનો છે. ઘણા દેશો પાસે મિલિટ્રી ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવવાની ટેકનિકલ ક્ષમતા છે અને કેટલાક સંશોધન કરી રહ્યા છે. આ કદાચ માનવજાતના હિતમાં ન હોય, પરંતુ સત્ય એ છે કે માનવજાતે હજુ સુધી પોતાની રક્ષાની ગેરંટી આપવા માટે પરમાણુ હથિયાર સિવાય બીજો કોઈ રસ્તો શોધ્યો નથી.’

અમેરિકા સાથેની 'ન્યૂ સ્ટાર્ટ' સંધિ પૂરી થવા મામલે મેદવેદેવે કહ્યું કે, ‘રશિયાએ પોતાના પરમાણુ હથિયારોને કારણે જ પોતાનું સાર્વભૌમત્વ ટકાવી રાખ્યું છે. યુરોપિયન અને બાઈડન પ્રશાસન હેઠળ અમેરિકીઓ સતત અમને સખત જવાબ આપવા માટે ઉકસાવી રહ્યા છે અને આ ઉકસાવનારી હરકતો ચાલુ છે.’

મેદવેદેવે વિચિત્ર તર્ક આપતા કહ્યું કે, ‘ભલે ન્યુક્લિયર હથિયારો સંઘર્ષમાં જોખમ વધારે છે, પરંતુ તે ખતરનાક ઈરાદા રાખનાર કોઈપણ વ્યક્તિના મગજમાં તાજી હવા નાખીને સ્થિરતાને પણ પ્રોત્સાહન આપે છે. એટલે કે, પરમાણુ હથિયારના ડરથી દુશ્મન દેશ હુમલો કરતા સોવાર વિચારશે.’


અમેરિકી મિસાઇલ સિસ્ટમને ગણાવી ખતરનાક

અમેરિકાની 'ગોલ્ડન ડોમ' મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને મેદવેદેવે અત્યંત ખતરનાક અને ઉશ્કેરણીજનક ગણાવી છે. તેમણે ચેતવણી આપી કે, આ સિસ્ટમથી વિશ્વનું સ્ટ્રેટેજિક બેલેન્સ બગડી શકે છે અને રશિયા તેના જવાબમાં નવા ડિલિવરી સિસ્ટમ્સ વિકસાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application