BREAKING NEWS

ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષે પણ નહીં મળે નોબેલ શાંતિ પુરસ્કાર: જાણો ક્યાં અટકાયો મામલો

  • October 01, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષે પણ નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે. ઈઝરાયેલ, કમ્બોડિયા અને પાકિસ્તાન જેવા દેશોએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામનું નામાંકન કર્યું હોવા છતાં, વૈશ્વિક રાજકીય સમીકરણો અને તાજેતરના વિવાદોના કારણે તેઓ આ દોડમાંથી બહાર ફેંકાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, અમેરિકા દ્વારા ઈરાન સાથે છેડવામાં આવેલા યુદ્ધ અને તેના કારણે પ્રભાવિત થયેલા લાખો લોકોના લીધે નોબેલ કમિટી ટ્રમ્પના નામ પર વિચાર કરવા તૈયાર નથી.

વર્ષ 2025 માં વેનેઝુએલાના નેતા મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, પરંતુ પુરસ્કાર મેળવ્યા બાદ મચાડોએ તે એવોર્ડ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો હતો. આ ઘટનાના કારણે નોબેલ કમિટીની વૈશ્વિક સ્તરે ભારે ફજેતી થઈ હતી. આ જ કારણસર ઓસ્લો સ્થિત નોબેલ કમિટી આ વખતે અત્યંત સાવધાનીપૂર્વક નિર્ણય લઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિટી આ વખતે આંતરરાષ્ટ્રીય કોર્ટ ટ્રિબ્યુનલ (International Court Tribunal) ને આ પુરસ્કાર આપવા પર વિચાર કરી રહી છે, જેના પર ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં પ્રતિબંધો લાદ્યા છે અને તેનું ફંડિંગ પણ રોકી દીધું છે.


આગામી 9 ઓક્ટોબરના રોજ નોબેલ શાંતિ પુરસ્કારની અધિકૃત જાહેરાત થવાની છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત પુરસ્કારની દોડમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત પોપ લિયો, આંતરરાષ્ટ્રીય કોર્ટ ટ્રિબ્યુનલ અને ફિલિસ્તીની વિસ્તારો માટે યુએનના ખાસ પ્રતિનિધિ ફ્રાન્ચેસ્કા અલ્બાનીઝ સૌથી આગળ ચાલી રહ્યા છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલના ડિરેક્ટર કરીમ હગાગના મતે, પોપ લિયો સતત યુદ્ધ અને ટ્રમ્પ પ્રશાસનની આક્રમક નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હોવાથી તેઓ આ રેસમાં મજબૂત દાવેદાર છે.



​​​​​​​ઓસ્લો પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના એક્ટિંગ ડિરેક્ટર હાકોન ગેરલોના જણાવ્યા મુજબ, નોબેલ કમિટી આ વખતે એવા જ વ્યક્તિ કે સંસ્થાની પસંદગી કરશે જે એવોર્ડ મળ્યા બાદ ટ્રમ્પના રાજકીય દબાણનો સામનો કરી શકે. નિષ્ણાતોનું માનવું છે કે કમિટી ટ્રમ્પના કોઈ કટ્ટર વિરોધીને એવોર્ડ આપીને વિશ્વને સંદેશ આપવા માંગે છે કે નોબેલ શાંતિ પુરસ્કાર માટે હજુ પણ લોકશાહી અને શાંતિ જ સર્વોપરી મૂલ્યો છે. સમગ્ર પરિસ્થિતિ જોતાં, આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કારનો નિર્ણય ગમે તેના પક્ષમાં આવે, પરંતુ તે ટ્રમ્પ અને તેમની નીતિઓની આસપાસ જ કેન્દ્રિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application