BREAKING NEWS

લોકમેળા માટેની વિવિધ અરજીઓ માટેની ડ્રો પ્રક્રિયા પૂર્ણ; કાલથી હરાજી

  • August 03, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં યોજાનારા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓને વેગ મળ્યો છે. લોકમેળા માટે વિવિધ કેટેગરીમાં આવેલી અરજીઓની ડ્રો પ્રક્રિયા આજરોજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ડ્રો પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આગામી તબક્કા તરીકે મંગળવારથી હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જોકે હરાજીના સ્થળમાં ફેરફાર કરવા તંત્ર વિચારી રહ્યું છે. જે અંગેનો આજે સાંજ સુધીમાં અંતિમ નિર્ણય આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, આજે લોકમેળાની ડ્રો કેટેગરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આવતીકાલથી તંત્ર દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જાણવા મળતી માહિતી મુજબ, હરાજીના સ્થળમાં ફેરફાર કરવામાં આવી શકે તેમ છે. જો તેમ થાય છે તો અગાઉ નક્કી કરાયેલા સ્થળના બદલે હવે હરાજીની સમગ્ર કાર્યવાહી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી શકે તેમ છે. જો કે તે બાબતે હજુ વિચારણા ચાલી રહી છે અને સાંજ સુધીમાં નિર્ણય આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવશે. સ્થળ બદલવાનું મુખ્ય કારણ પ્રાંત–૧ કચેરી ખાતે ચાલી રહેલી ટ્રેનિંગ હોય શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરાજી આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થશે. હરાજીમાં ભાગ લેનાર તમામ અરજદારોને નિયત સમય પહેલાં જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર હાજર રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકમેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ, મનોરંજનના સાધનો તથા અન્ય ફાળવણી માટે હરાજી યોજાશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હરાજી દરમિયાન અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ પણ તૈનાત રહેશે. રાજકોટ જન્માષ્ટમી લોકમેળા દર વર્ષે મોટી સંખ્યામાં વેપારીઓ અને મુલાકાતીઓને આકર્ષે છે. આ વર્ષે પણ લોકમેળાના સફળ આયોજન માટે જિલ્લા તંત્ર દ્વારા તબક્કાવાર તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ડ્રો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે હરાજીનું આયોજન લોકમેળાની તૈયારીઓમાં વધુ એક મહત્વપૂર્ણ તબક્કો સાબિત થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application