ધંધાની હરીફાઇમાં ડ્રાઇવર-કલીનરને મારમારી: બસમાં તોડફોડ

  • May 21, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કુવાડવા ગામે રાધે હોટલ પાસે ખાનગી ટ્રાવેલ્સના ધંધાની હરીફાયમાં બસના ચાલક અને કલીનરને હરીફ ટ્રાવેલ્સના ચાર શખસોએ ધંધાકીય હરીફાયનો ખાર રાખી મારમારી બસના તોડફોડ કરી હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


બનાવ અંગે જામજોધપુરના મોટા વડીયા ગામમાં રહેતાં ભીખનભાઈ રમેશભાઈ કરંગીયા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દ્વારકાધીશ ટ્રાવેલ્સના ચાર અજાણ્યાં શખસોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આદેશ ટ્રાવેલ્સ જે દરરોજ જામજોધપુરથી ગાંધીનગર ચાલતી હોય તેમાં ડ્રાઇવીગ કરે છે. જે ટ્રાવેલ્સના નં. જીજે-03-બીઝેડ -8988 છે.


ગઇ તા. ૧૯/૦૫/૨૦૨૫ ના રાત્રીના દશ વાગ્યે તેઓ અને ક્લીનર ઈરફાનભાઈ આદેશ ટ્રાવેલ્સની બસ લઈને જામજોધપુરથી પેસેન્જર ભરી ગાંધીનગર ગયા હતા. ગઈકાલે તેઓ ગાંધીનગર બસમાં સુતા હતા ત્યારે ક્લીનર પાસે ટ્રાવેલ્સનો મોબાઇલ ફોન હોય જેમાં દ્વારકાધીશ ટ્રાવેલ્સના માલિક રણછોડભાઇ સભાડનો ફોન આવેલ કે, તમે અમદાવાદ ઇસ્કોન ખાતે બપોરના એક વાગ્યે તમારી બસ ન લગાડતા અને બપોરના ૦૧/૨૦ પછી તમારી બસ ત્યાં લગાડજો અને તમારા શેઠ સુનીલભાઇને કહેવુ હોય તો કહી દેજો અમારા બસના ડ્રાઇવર તેમજ કલીનર ખરાબ મગજના છે પછી ખોટી માથાકુટ થાય તો કહેતા નહીં.આ બાબતે તેઓએ તેમની ટ્રાવેલ્સના માલીક સુનીલભાઇ ઓડેદરાને ફોન કરીને જાણ કરેલ હતી.


બાદમાં સવારના સાડા અગ્યારેક વાગ્યે ગાંધીનગરથી પેસેન્જર ભરી જામજોધપુર જતા હતા ત્યારે સાંજના આશરે પાચેક વાગ્યે અમદાવાદથી રાજકોટ તરફ જતા હાઇવે રોડ પર કુવાડવા ગામે રાધે હોટલની સામે બસ પહોંચી ત્યારે રાજકોટ તરફથી એક સફેદ કલરની સ્વીફટ ગાડી આવેલ અને બસની આડી ઉભી રાખી દીધેલ હતી. સ્વીફટ ગાડીમાથી અજાણ્યા ચારેક જેટલા માણસો હાથમા લોખંડના પાઈપ લઈ ઉતરેલ અને તેમાથી એક માણસે પાસે આવી કહેલ કે, તુ નીચે ઉતર તેમ કહી હુમલો કરી દિધો હતો.


ત્યારબાદ બીજા ત્રણ માણસોએ બસના આગળના કાચમા તેમજ ડ્રાઇવરની કેબીનનો દરવાજા, કલીનર સાઇડના દરવાજા ઉપર લોખંડના પાઈપ મારી કાચ તોડી નાંખી તેમજ ચારેય શખસોએ કલીનર સાઈડનો દરવાજો ખોલી બસની અંદર આવી ડ્રાઈવર તથા કલીનરને આપી એક શખસ કહેતો હતો કે તમને અમદાવાદથી એક વાગ્યા પછી બસ ઉપાડવાનુ કહેલ હતુ, છતા પણ કેમ એક વાગ્યે બસ લગાડેલ હતી. કાલે પણ તમારી બસને આવી રીતે રોકીને તોડફોડ કરીશુ અને ગમે તે ડ્રાઇવર હશે તેઓને માર મારીશું તેમ કહીં આરોપીઓ કારમા નાસી છૂટ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application