રશિયા સામે ચાર વર્ષથી વધારે સમયથી યુદ્ધ લડી રહેલા યુક્રેને ઘાયલ સૈનિકને બચાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને લશ્કરી ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવો પ્રયોગ કર્યો છે. દુશ્મનના હુમલાના સતત જોખમ વચ્ચે ફસાયેલા એક સૈનિકને હવામાં ઊડતા ડ્રોનની મદદથી યુદ્ધમેદાનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુક્રેનની સેનાએ આ પ્રકારનું બચાવ અભિયાન વિશ્વમાં પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે.યુક્રેનની ૯૨મી સેપરેટ અસોલ્ટ બ્રિગેડે સોમવારે આ બચાવ અભિયાનનો વિડિયો જાહેર કર્યો હતો. તેમાં એક મોટું ડ્રોન જમીન તરફ નીચે ઊતરતું જોવા મળે છે. ત્યારબાદ લશ્કરી પોશાક પહેરેલો ઘાયલ સૈનિક ડ્રોન સાથે જોડાયેલી દોરડાવાળી ઉપાડવાની વ્યવસ્થા સાથે પોતાને બાંધે છે. ડ્રોન તેને જમીન ઉપરથી ઊંચકીને યુદ્ધમેદાનથી દૂર લઈ જાય છે.યુક્રેનની સેનાએ આ કાર્યવાહી કયા વિસ્તારમાં હાથ ધરવામાં આવી તેની માહિતી જાહેર કરી નથી. જોકે બ્રિગેડના ડ્રોન યુનિટે જણાવ્યું કે બચાવ અભિયાન સફળ રહ્યું અને સૈનિકનો જીવ બચી ગયો. હાલમાં તેની સારવાર અને પુનર્વસનની કામગીરી ચાલી રહી છે. તેનો જીવ હવે જોખમમાં નથી.આ ડ્રોન બનાવનારી ગુર્ઝુફ ડિફેન્સ કંપનીના જણાવ્યા પ્રમાણે બચાવવામાં આવેલો સૈનિક લગભગ દોઢ વર્ષથી અત્યંત જોખમી લશ્કરી મોરચે ફસાયેલો હતો. તે એવી જગ્યાએ હતો જ્યાં પરંપરાગત પદ્ધતિથી બચાવ કામગીરી હાથ ધરવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી.કંપનીએ જણાવ્યું કે સૈનિક સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર બચાવ ટુકડીના જવાનોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ હતા. તેથી માણસોને સીધા મોકલવાને બદલે હવામાં ઊડી શકે તેવા ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો.આ કામગીરી માટે આયુદાગ-૬ નામના હેક્સાકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના ડ્રોનમાં છ રોટર હોય છે. તેના કારણે તે હવામાં સ્થિર રહી શકે છે અને યોગ્ય ક્ષમતા ધરાવતું મોડેલ વજનદાર સામગ્રી પણ ઉપાડી શકે છે.આયુદાગ-૬ ડ્રોને ઘાયલ સૈનિકને હવામાં ઊંચકીને સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડ્યો હતો. ત્યાં રાહ જોઈ રહેલા અન્ય યુક્રેનિયન સૈનિકોએ તેને સંભાળ્યો અને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.