BREAKING NEWS

અમદાવાદમાં દારૂના નશામાં ધૂત PSIએ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, લોકોએ ઘેરી લીધો

  • October 05, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ ભરત પંડ્યા દ્વારા નશાની હાલતમાં સાબરમતી વિસ્તારમાં પોતાની કાર હંકારીને ગંભીર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થળ પર એકત્ર થઈને પીએસઆઇને ઘેરી લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને નશામાં ધૂત પીએસઆઇ ભરત પંડ્યા તેમજ તેમની કારને કસ્ટડીમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પ્રાપ્ત વિગતો અનુસાર, રિંગ રોડ આસપાસના વિસ્તારમાં રહેતા અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિકમાં વિશાલા બીટના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને પીએસઆઇને ઘેરીને આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ દરમિયાન જનતા દ્વારા જ્યારે તેમની કારની ડેકી તપાસવામાં આવી, ત્યારે તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. લોકોએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા સાબરમતી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.


આ કોઈ પહેલીવાર નથી કે જ્યારે પીએસઆઇ ભરત પંડ્યા વિવાદોમાં આવ્યો હોય, પરંતુ અગાઉ પણ તેઓ અનેક ગંભીર વિવાદોમાં સપડાયેલો હતો. અગાઉ તે જ્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો, ત્યારે પણ નશાની હાલતમાં વાહન ચલાવીને કેટલીક લારીઓ ઊંધી વાડી દીધી હોવાના ગંભીર આક્ષેપો સાથે તેમનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત, થોડા સમય પહેલા જ તેમના બીટમાં ફરજ બજાવતા એક ટીઆરબી જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા, પીએસઆઇએ તેને જાહેરમાં માર મારવાની ધમકી આપી હતી. આ ધમકીના મામલે તે ભોગ બનનાર જવાને પીએસઆઈ સામે સત્તાવાર ફરિયાદ પણ દાખલ કરાવી હતી, જે તેમની કાર્યશૈલી પર મોટા સવાલો ઊભા કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application