BREAKING NEWS

માતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પરે 15 વર્ષીય તરુણને કચડી કાર-ટેન્કરને ઠોકરે લીધા

  • October 04, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેડી ચોકડી નજીક સાંજે આઠેક વાગ્યે બનાવ: તરુણ દૂધ લઈ રોડ ક્રોસ કરી રહયો હતો ત્યારે ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું, ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બે કિમિ સુધી રોંગ સાઈડમાં દોડાવ્યું: ચાલકને પણ ઇજા




રાજકોટ શહેરની ચારેય દિશામાં આવતી દરેક ચોકડીઓ પર વારંવાર ભારે વાહનોના કારણે સર્જાતા અકસ્માતથી નિર્દોષ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે. એમ છતાં પોલીસ અને આરટીઓ તંત્ર ભારે વાહન ચાલકો સામે ઠોંસ કાર્યવાહી કરવાને બદલે માત્રને માત્ર ટાર્ગેટ પુરા કરી સરકારી તિજોરી ભરવાની સાથે સાથે પોતાન ખિસ્સા ભરવામાં વ્યસ્ત જણાઈ રહ્યું છે. જેના કારણે માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરોની અકસ્માત સર્જાવાની ગતિમાં વધારો થયો છે.


શહેરના મોરબી રોડ પર બેડી નજીક જ છેલ્લા 15 દિવસમાં બે તરૂણ અને એક વૃધ્ધને બેફામ દોડતા ડમ્પરોએ મોતને ઘાટ ઉતાર્યા છે. ગઈકાલે બેડી ચોકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં 15 વર્ષીય નિર્દોષ તરુણને ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભાઈ-બહેન રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોત બનીને આવેલા ડમ્પરે ડિવાઈડર કુદાવી અકસ્માત સર્જ્યો હતો બાદમાં બે કિમિ સુધી રોંગ સાઈડમાં દોડેલા ડમ્પરે તરુણને અડફેટે લીધા બાદ કાર અને કેમિકલ ભરેલા ટેન્કરને ઠોકરે લીધા હતા. અકસ્માતના પગલે ડમ્પરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને દોડી આવેલા લોકોએ ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.


ઘટનાની મળતી વિગત મુજબ મોરબી રોડ પર અર્જુન પાર્ક પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો વિજય ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.15)નો તરુણ સાંજે આઠેક વાગ્યે ઘરથી નજીક આવેલી દુકાને દૂધ લઈને પરત ફરતો હતો ત્યારે રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે તરુણને અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કુદાવી બે કિમિ સુધી રોંગ સાઈડમાં દોડ્યું હતું અને અલ્ટો કાર તેમજ કેમિકલ ભરેલા ટેન્કરમાં ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતના પગલે આસપાસના હોટેલ ધારકો, વાહન ચાલકો સહિતના દોડી ગયા હતા. ડમ્પરના આગળના ભાગનો કુડચો બોલી જતા લોકોએ ડ્રાઈવર ને બહાર કાઢી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


તો ઘટનાને પગલે મૃતક તરુણના પરિવારજનો રોષે ભરાયા હતા અને રોડ પર જ આક્રંદ કર્યો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. જયારે ડ્રાઈવર રાજેશનાથ કનુનાથ નાથબાવા (ઉ.વ.30-રહે-આડેસર,કચ્છ)નો સિવિલ હોસ્પિટલમાં સારવારમાં હોય તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. ડમ્પર કચ્છથી કોલસો ભરી ગોંડલ ખાલી કરવા ગયું હતું અને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. મૃતક તરુણના માતા-પિતા હયાત નથી તે ભાઈ ભાભી સાથે રહેતો હતો.બનાવના પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



રાજકોટ પોલીસ-આરટીઓ તંત્ર સામે મૃદ સરકારના મક્કમ નિર્ણયની તાતી જરૂર

રાજકોટની ભાગોળે આવેલી ચોકડીઓ પર અકસ્માતની દુઃખદ ઘટનાઓ હવે રોજ બેરોજ બની રહી છે, પોલીસ અને આરટીઓ તંત્રના ભારે વાહન ચાલકો સામેના આંખ મીચામણાથી દર આઠ દિવસે એક માનવ જિંદગીની અકસ્માતમાં આંખ મીંચાઈ રહી છે. ખિસ્સા ભરવાની મેલી નીતિના લીધે ડમ્પર ચાલકો મોતની હારમાળા સર્જી જામીન પર છૂટી જઈને અટ્ટ હાસ્ય કરતા જોવા મળે છે જયારે પોતાનું સ્વજન ગુમાવનાર ચોંધાર આંસુએ વિલાપ કરી રહ્યા છે. ત્યારે મૃદુ સરકાર હપ્તાખાઉધરા તંત્ર અને તેના અધિકારીઓ સામે કોઈ મક્કમ નિર્ણય લઇ ડમ્પર ચાલકો અને તંત્રના મિલપિપણાથી સર્જાતા અકસ્માતના ખપ્પરમાં હોમાતી નિર્દોષ માનવ જિંદગીને ક્યારે બચાવશે તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application