ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં જમીન સંપાદનની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન સંપાદન દરમિયાન સરકારી તિજોરી તેમજ સંપાદક સંસ્થાઓ પર પડતા વધારાના આર્થિક બોજને હળવો કરવા માટે મહેસૂલ વિભાગે જમીન બિનખેતી કરવાની પરવાનગી આપવાની પ્રક્રિયા અને તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસ.ઓ.પી) માં મોટો સુધારો જાહેર કર્યો છે.
નવા સુધારા મુજબ, સરકાર કે ઉદ્યોગો સહિતના કોઈ પણ મોટા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ગતિમાં હોય તે દરમિયાન, પ્રોજેક્ટમાં સમાવિષ્ટ થનારી સમગ્ર જમીનને બિનખેતી કરાવવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. અગાઉના નિયમો અનુસાર, જમીન સંપાદનની પ્રક્રિયા ચાલતી હોય તે જ સમયે જમીનના મૂળ માલિકો કલમ-૬૫ હેઠળ પોતાની જમીન બિનખેતી કરાવી લેતા હતા. જમીન બિનખેતી થવાને કારણે તેનું વળતર મૂલ્ય ખૂબ વધી જતું હતું, જેના લીધે સંપાદક સંસ્થા અથવા સરકાર પર આર્થિક બોજો અસહ્ય બની જતો હતો અને પ્રોજેક્ટના બજેટ ખોરવાઈ જતા હતા. હવે નવી જોગવાઈઓ હેઠળ, સંપાદન હેઠળ આવતા ચોક્કસ સર્વે નંબરો માટે બિનખેતીની મંજૂરી આપવાની કાર્યવાહી એક વર્ષ સુધી સ્થગિત રાખવામાં આવશે.
મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, વિવિધ યોજનાઓ કે પ્રોજેક્ટ્સ માટે જ્યારે મોટાપાયે જમીન સંપાદન કરવાનું હોય ત્યારે ઉભી થતી કાયદાકીય ગૂંચવણોને આ નિર્ણયથી દૂર કરી શકાશે. ૨ જૂનના રોજ જાહેર કરાયેલી નવી સૂચના મુજબ, કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે ડીપીઆર (ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોય, ત્યારે જ સંભવિત સમાવિષ્ટ થનારા તમામ ગામોની યાદી સંબંધિત જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવશે.
કલેક્ટરને આ યાદી મળ્યા બાદ, પ્રારંભિક તબક્કે તે ગામોની જમીન બિનખેતી કરવાની મંજૂરી અંગેની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત કરી દેવાશે. આ સમયગાળા દરમિયાન સંપાદક સંસ્થા દ્વારા પ્રોજેક્ટનું અલાઈન્મેન્ટ અથવા યોજનાનું આખરીકરણ કરવામાં આવશે. યોજના ફાઇનલ થઈ ગયા પછી, સંપાદનપાત્ર સર્વે નંબરોની અંતિમ યાદી કલેક્ટર સમક્ષ રજૂ કરાશે. આ અંતિમ યાદીમાં દર્શાવેલા તમામ સર્વે નંબરો માટે બિનખેતી અંગેની કાર્યવાહી એક વર્ષ સુધી સંપૂર્ણપણે સ્થગિત રાખવામાં આવશે. જોકે, આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સર્વે નંબરો સંપાદન યોજનામાં સામેલ નથી, તેવા અન્ય તમામ સર્વે નંબરો માટે બિનખેતીની નિયમિત કામગીરી અગાઉની જેમ જ ચાલુ રાખી શકાશે.
આ ફેરફાર પાછળનો મુખ્ય આશય એ છે કે સંપાદક સંસ્થાઓ જમીન સંપાદનને સંબંધિત મંજૂરીઓ કોઈપણ આર્થિક અવરોધ વિના મેળવી શકે. ઘણીવાર પ્રોજેક્ટની જાહેરાત થતાં જ અમુક તત્વો વળતરનો ગેરલાભ લેવા માટે રાતોરાત જમીન બિનખેતી કરાવી લેતા હતા, જેના કારણે પ્રોજેક્ટના મૂળ ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો થતો હતો અને વિકાસકાર્યો વિલંબમાં પડતા હતા. સરકારના આ હકારાત્મક સુધારાથી રાજ્યના આંતરમાળખાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ હવે વધુ ઝડપથી અને નિયત બજેટ મર્યાદામાં પૂર્ણ થઈ શકશે.