BREAKING NEWS

અમિન માર્ગ સહિતના ૭ પ્લોટ્ની ઇ ઓક્શન મોકૂફ, હવે આ તારીખે યોજાશે

  • January 17, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કિમોના કોમર્શિયલ હેતુના પાંચ અને રેસીડેન્સિયલ હેતુના બે સહિત સાત પ્લોટ્સની ઇ ઓક્શન આજે તા.૧૭ અને ૧૯ જાન્યુઆરીના રોજ તેમ બે તબક્કામાં યોજાનાર હતી. દરમિયાન પૂરતા ખરીદદારો નહીં આવતા તેમજ અમુક પ્લોટ મામલે મનપાને કાનૂની નોટિસ મળતા આજથી યોજાનારી ઇ ઓક્શન મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર આર.ડી.પરમારે આ અંગે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમીનમાર્ગ કોર્નર સહિતના પ્લોટ્સ માટે પૂરતી સંખ્યામાં બિડર (ખરીદદારો) આવ્યા ન હોય તંદુરસ્ત સ્પર્ધા થશે નહીં તેમ જણાતા ઇ ઓક્શન મોકૂફ રાખવામાં આવી હતી. હવે આગામી તા.૨૧ અને ૨૨ના રોજ ઇ ઓક્શન યોજવાનું વિચારાધીન છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા હાલ સીએલ ઉપર હોય તેઓ સોમવારે પરત ફર્યા બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ સાથે મિટિંગ યોજશે ત્યારબાદ ઇ ઓક્શન અંગે આગળની કાર્યવાહીનો નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ મહાપાલિકા દ્વારા ટીપી પ્લોટના વેંચાણ માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો તાલ સર્જાતા ખરીદદારોમાં પણ તર્ક વિતર્ક થવા લાગ્યા છે.


સાંસદના પુત્રએ લીગલ નોટિસ ફટકારતા કાનૂની ગૂંચ

રાજકોટ મહાપાલિકા દ્વારા જે સાત ટીપી પ્લોટની ઇ ઓકશન જાહેર કરાયું હતું તેમાં રાજકોટ ટીપી સ્કિમ નં.૯નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.સી/૯ જે સિનર્જી-એચસીજી હોસ્પિટલ રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડનો પ્લોટ પણ સમાવિષ્ટ હતો. આ પ્લોટનું ક્ષેત્રફળ ૩૭૧૩ ચોરસ મીટર છે, અહીં પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૯૦ હજાર નક્કી કરાઇ હતી તેમજ ઇએમડી રૂ.૩૩,૪૧,૭૦૦ હતી. આ પ્લોટની ઇ ઓક્શન આજે સાંજે પાંચ કલાકે શરૂ અને છ કલાકે પૂર્ણ થનાર હતી. દરમિયાન આ પ્લોટની ઇ ઓક્શન પૂર્વે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના પુત્ર મૌલિકભાઈ મોકરિયાએ ઇ ઓકશન સામે વાંધો લઇને મહાપાલિકાને લીગલ નોટિસ ફટકારતા તેવા કારણે પણ ઇ ઓકશન મોકૂફ રહ્યાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application