BREAKING NEWS

શેરબજારમાં હેરાફેરી મામલે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં EDના દરોડા: 1 લાખથી વધુ રોકાણકારોને થયેલા નુકસાન અંગે કાર્યવાહી

  • October 16, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારમાં કૃત્રિમ રીતે ભાવ વધારીને સામાન્ય રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના ગંભીર મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ ઇડીની ટીમોએ શુક્રવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ શહેરોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ વ્યાપક તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ સ્થળોએથી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાર્યવાહી બે અગ્રણી લિસ્ટેડ કંપનીઓના શેરોમાં થયેલી કથિત હેરાફેરી અને નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલી છે. આ કેસમાં આરોપ છે કે કંપનીઓ સાથે જોડાયેલા પ્રમોટરો અને ચોક્કસ સટ્ટાખોરોએ ષડયંત્ર રચીને કંપનીના શેરના ભાવ ગેરકાયદેસર રીતે અનેકગણા વધારી દીધા હતા. આ ગેરરીતિ આચરવા માટે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપોનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.


ઇડીની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, જે બે કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાંની એક મહારાષ્ટ્ર અને બીજી ગુજરાતમાં સક્રિય રીતે કામ કરે છે. વર્ષ 2023 ના એપ્રિલથી લઈને 2024 ના માર્ચ મહિના વચ્ચેના સમયગાળામાં આ બંને કંપનીઓએ પોતાના ખાસ નજીકના લોકો અને ચોક્કસ સંસ્થાઓને 3.5 કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરન્ટ ઇશ્યૂ કર્યા હતા. ખાસ વાત એ છે કે આ શેરો ખરીદવા માટે વપરાયેલા નાણાં પણ કંપની, લેણદારો અને તેમની સાથે જોડાયેલા જૂથો પાસેથી જ આવ્યા હોવાનો ખુલાસો થયો છે.


આ શંકાસ્પદ લોકો દ્વારા શેરના ભાવ સતત ઊંચા સ્તરે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ મોટાભાગના શેરો તેમના પોતાના જૂથ પાસે જ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ શેરના ભાવ તળિયે બેસી જતાં અંદાજે 1 લાખથી વધુ નાના રોકાણકારોને કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. નુકસાનનું મુખ્ય કારણ એ હતું કે નાના રોકાણકારો પોતાના શેર સમયસર વેચી જ શક્યા ન હતા.


​​​​​​​આ મામલે ઇડીની ટીમોએ ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત અને ભાવનગર તેમજ મહારાષ્ટ્રના મુંબઈ અને નાસિક સહિતના શહેરોમાં પ્રમોટરોના રહેઠાણો અને ઓફિસો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે લોકોને સસ્તા ભાવે શેર ફાળવવામાં આવ્યા હતા અને જેઓ શેરના પ્રચાર માટે વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા તે તમામ શંકાસ્પદોના ઠેકાણાઓ પર ઇડી દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application