BREAKING NEWS

જામનગરમાં બિલ્ડરના બંગલે રર કલાક ઇડીની તપાસ: હવાલા-ક્રિપ્ટો કૌભાંડની આશંકા

  • November 29, 2025 05:45 PM 



બે દિવસના ગાળામાં સેન્ટ્રલની ત્રણ એજન્સીઓ જામનગરમાં જુદા-જુદા મામલે ત્રાટકી હોવાથી રાજયભરમાં ચર્ચા જાગી છે, ગઇકાલે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ એટલે કે ઇડી દ્વારા અહીંના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલા ગોરીયાના બંગલા પર એકાએક ત્રાટકીને તપાસ શરૂ કરવામાં આવી હતી, મોડી રાત સુધી ઇડીએ ધામા નાખ્યા હતાં, પોલીસ પણ સાથે ખડેપગે રહી હતી, શું કામ ઇડીની ટીમ આવી, કયાં પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે, શું મામલો છે તેની તમામ સતાવાર વિગતો ઇડી તરફથી જાહેર થવાનો ઇન્તેજાર થઇ રહ્યો છે, હવાલા કૌભાંડ અથવા ક્રિપ્ટો કરન્સીના મુદે તપાસ થઇ હોવાની પણ વાતો ઉઠી છે, આ કાર્યવાહીના પગલે જામનગર શહેર-જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે. 


શુક્રવારે વ્હેલી સવારે ઇડીની ટીમ બી-ડીવીઝન પોલીસને સાથે રાખીને અહીંની  જયંત સોસાયટી ખાતે આવેલા લાલા ગોરીયાના બંગલા પર પહોંચી હતી અને કાલે આખો દિવસ તથા મોડી રાત સુધી ઇડીની ટીમનો મુકામ રહ્યો હતો, આ દરમ્યાન પોલીસને પણ અંદર જવાની અનુમતી અપાઇ ન હતી, બી-ડીવીઝન પોલીસનો કાફલો બહાર તૈનાત હતો, ગોરીયા પરીવારના સભ્યોને પણ બંગલાની અંદર જવા દેવામાં આવતા ન હતાં, ઇડીની ટીમ અંદર કાર્યવાહી કરી હતી. 


જેના માટે ઇડીની ટીમ તપાસમાં આવી હતી તે લાલા ગોરીયા ઉપસ્થિત નહીં હોવાથી સ્વભાવીક રીતે ટીમ દ્વારા એમના સંબંધે ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી હતી, સામાન્ય રીતે સેન્ટ્રલની આ એજન્સી કોઇ સ્થળે આવે તો વધુને વધુ બે-ત્રણ કલાક સુધી રોકાતી હોય છે, પરંતુ જયંત સોસાયટીના બંગલામાં કહેવાય છે કે, રાત્રીના ૧ વાગ્યા સુધી ઇડીની ટીમે ધામા નાખ્યા હતાં એટલે મામલો ગંભીર હોવાના સંકેત મળે છે. 


બીજી તરફ મીડીયા સહીતના સંલગ્ન લોકો સતત એ બાબત જાણવાનો પ્રયત્ન કરતા હતાં કે, આખરે ઇડીની ટીમ અહીં આવી શું કામ છે અને કયાં સંદર્ભે તપાસ ચાલી રહી છે, પરંતુ સેન્ટ્રલની આ ટીમ કાર્યવાહી દરમ્યાન કોઇને વિગતો નહીં આપતી હોવાની વાત જાણીતી છે એટલે હવે એ બાબતનો ઇન્તેજાર છે કે ઇડી દ્વારા જામનગરના સર્ચ અંગે કયાં સતાવાર વિગતો જાહેર કરાય છે અને શું વિગતો જાહેર કરાય છે. 


એવી શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે કે, હવાલા મામલે અથવા ક્રિપ્ટો કરન્સીના મુદે ઇડીની ટીમ દ્વારા જામનગર ખાતે તપાસ કરવામાં આવી છે, આ બધી બાબતનો સાચો જવાબ ત્યારે જ મળશે જયારે ઇડીની ટીમ દ્વારા સતાવાર વિગતો જાહેર કરવામાં આવશે.


સવારથી લઇને મોડી રાત સુધી ઇડીની ટીમ અને પોલીસની કારો આવતી-જતી રહી હતી, લગભગ રાત્રે ૧૦-૧૧ની વચ્ચે ઇડીની ટીમ જે કારમાં આવી હતી એ કાર બંગલા પરથી રવાના થઇ હતી અને તેના સ્થળે એક બીજી કાર આવી હતી, અધિકારીઓની આવનજાવન ચાલું રહી હતી, બીજી તરફ બહાર પોલીસ બંદોબસ્ત જળવાયેલો રહ્યો હતો. 


બે દિવસ જામનગરમાં ભારે ધમધમાટ રહ્યો, ઇન્કમટેકસના આઇટીએટીના મામલે સીબીઆઇની ટીમ દ્વારા પહેલા સર્ચ કરવામાં આવ્યું અને બીજા દિવસે ઇડી દ્વારા ધોસ બોલાવવામાં આવી, આ મોટી એજન્સીઓની તપાસના કારણે શહેર અને જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે. 


ગોરીયા પરીવારના સંબંધીઓ પાસેના બંગલાની બહાર બેઠાં રહ્યા​​​​​​​

જયંત સોસાયટીમાં આવેલ ગોરીયા પરીવારના બંગલા પર ઇડીની ટીમ તપાસ માટે આવી હોવાની વાત સામે આવ્યા પછી જીતેન્દ્ર ઉર્ફે લાલા ગોરીયાના સંબંધીઓ અને આ પરીવારના મોભીઓ ત્યાં આવી પહોંચ્યા હતાં જો કે ઇડીની ટીમ અંદર હોવાથી કોઇને જવાની અનુમતી હતી નહીં આ કારણે એમના સંબંધીઓ રાત્રે મોડે સુધી પાસેના બંગલાની બહાર બેઠાં જોવા મળ્યા હતાં. 


ઇડીની ટીમ અને ગોરીયા પરીવારના સભ્યો વચ્ચે રકઝક થયાની અફવા​​​​​​​

ગઇકાલ સવારથી ઇડીની ટીમ દ્વારા બંગલામાં તપાસ શ‚ થઇ હતી અને રાત્રે મોડે સુધી ચાલું હતી, આ દરમ્યાન કોઇને ઘરમાં જવા દેવાની અનુમતી મળી નહીં હોવાથી કહેવાય છે કે, આ મુદે ઘરની અંદર રહેલા મહીલા સભ્યો સાથે વાતચીત કરવા માટે ગોરીયા પરીવારના સભ્યો અને ઇડીની ટીમ વચ્ચે થોડી રકઝક પણ થઇ હતી, આ પ્રકારની પણ એક અફવા ઉઠી છે. 


ઇડીની ટીમની મુંઝવણ આખરે જીતેન્દ્ર ગોરીયા કયાં છે ?​​​​​​​

જેની તપાસ માટે ઇડીની ટીમ આવી હતી તે જીતેન્દ્ર ઉર્ફે લાલા ગોરીયા ઘરમાં હાજર હતાં નહીં અને લગભગ ૨૨ કલાકથી વધુ સમયથી ઇડીની ટીમે ધામા નાખ્યા હોવા છતાં લાલા ગોરીયા સાથે તેઓ વાતચીત કરી શકયા ન હતાં એટલે ઇડીની ટીમની મુંઝવણ વધી હતી કે આખરે લાલા ગોરીયા છે કયાં ? સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, જે દિવસે ઇડીની ટીમ આવી ત્યારે વ્હેલી સવારે ૪:૩૦ કલાકની આસપાસ તેઓ ઘરે આવ્યા હતાં એવું ઇડીની પ્રાપ્ત થયેલા સીસી ટીવી કેમેરામાંથી જાણવા મળ્યું હોવાનું કહેવાય છે. 


એક હોટલમાં તપાસ થયાની પણ ઉઠતી વાત

જામનગરમાં ઇડી દ્વારા બિલ્ડર પર કરવામાં આવેલી ઘનિષ્ઠ તપાસમાં અલગ-અલગ થીયરી ચર્ચામાં આવી રહી છે, કયાં મુદે આ ટીમ આવી એ સ્પષ્ટ હજુ થયું નથી ત્યારે સંલગ્ન એક હોટલમાં પણ ઇડીની ટીમ તપાસ માટે ગઇ હોવાની વાત સામે આવી રહી છે, ત્યાં શું કામ ગઇ અને ત્યાં શું મળ્યું એ બાબતે પણ હાલ સસ્પેન્સ સર્જાયેલું છે.​​​​​​​


અમેરીકા, યુરોપ, ગલ્ફના દેશોનો કરેલો પ્રવાસ શું ઘ્યાનમાં આવ્યા?​​​​​​​

સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, જેના ઘરે ઇડીની તપાસ આવી છે તે જીતેન્દ્રભાઇ ઉર્ફે લાલા ગોરીયા છેલ્લા એક વર્ષ દરમ્યાન અમેરીકા, યુરોપના કેટલાક દેશ અને ગલ્ફના કેટલાક દેશોમાં પ્રવાસ માટે ગયા હતાં, શું આ બાબત ઇડીના ઘ્યાન પર આવી છે કે કેમ તેની પણ ચર્ચાઓ ઉઠી રહી છે. 


સીન્ડીકેટ દ્રારા ચાલતા કૌંભાડ અને હવાલા રેકેટનો પર્દાફાશ રૂ.૧ કરોડથી વધુ રોકડ જપ્ત​​​​​​​

ઇનકમટેકસ એપીલેટ ટ્રીબ્યુનલમાં ભ્રષ્ટાચાર કૌંભાડનો ઘટસ્ફોટ સીબીઆઇ અને આઇટીની તપાસમાં થયો છે. ત્યારે દેશભરમાં ચકચારી બનેલા આ પ્રકરણની તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં જયપુર અને કોટામાં જુદા-જુદા સ્થળે દરોડા પાડી રૂ.૧ કરોડથી વધુની રોકડ અને દસ્તાવેજો સીબીઆઇએ જપ્ત કર્યા છે. આટલું જ નહીં ૨૫ નવેમ્બરના આઇટીએટીના વધુ એક સભ્ય સામે ફરિયાદ નોંધાઇ છે. તપાસમાં આ સમગ્ર કૌંભાડ એક સંગઠીત સીન્ડીકેટ દ્રારા ચલાવામાં આવી રહ્યાનું ખૂલ્યું છે.

આ પ્રકરણમાં આઇટીએટીમાં અપીલ કરનાર અરજદારની પણ સીબીઆઇએ ધરપકડ કરી છે. આ અરજદાર દ્રારા  હવાલા નેટવર્ક દ્રારા રૂ.૫.૫૦ લાખની હેરફેર કરી હોવાનું સીબીઆઇની સતાવાર યાદીમાં જણાવાયું છે. ત્યારે આ ચકચારી પ્રકરણમાં આગામી દીવસોમાં હજુ વ્યકિતની ધરપકડ અને ચોંકાવનારા ખુલાસા થશે તેમ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application