BREAKING NEWS

મનપામાં હવે ફાઇલોનો ઉલાળીયો બંધ, ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભ

  • November 29, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારે ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભ કરી તમામ વિભાગની ફાઇલની પીડીએફ પોર્ટલમાં સેવ કરવાની સૂચના આપ્યા બાદ હવે રાજકોટ મહાપાલિકાએ પણ હવે દરેક વિભાગના દરેક કામની ફાઇલો તેમજ પરિપત્ર સહિતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનુ શરૂ કરતા હવે ફાઇલોનો ઉલાળ્યો કોઇ કર્મચારી કે, અધિકારી દ્વારા થઇ શકશે નહીં, દરમિયાન મ્યુનિસિપલ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ આપવાનું શરૂ કરાયું છે.જેમાં અધિકારીઓ તથા કર્મચારીઓને ઇ-ગવર્નન્સ પોર્ટલની વિસ્તૃત માહિતી આપીને નવી કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

વિશેષમાં આ અંગે મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગઇકાલે ઇ-ગવર્નન્સ પોર્ટલ અંતર્ગત કર્મચારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં થતી કામગીરીનો ડેટા કોમ્પ્યુટરની એક ક્લિકથી ઉપલબ્ધ થઇ શકે તે માટે ઇ-ગવર્નન્સ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં મનપાના તમામ વિભાગોમાં થતા તમામ કામોની ફાઇલો, ઓર્ડર અને પરિપત્રોની પીડીએફ તૈયાર કરી પોર્ટલમાં સેવ કરવામાં આવી રહી છે.

વર્ષો પહેલા મહાનગરપાલિકામાં લેખિત કામગીરી થતી હોવાથી ફાઇલોના થપ્પે થપ્પા લાગ્યા હતા અને આજે પણ ફાઇલોના પોટલાઓના ગોડાઉન ભર્યા છે. આ પધ્ધતીના કારણે કોઇ પણ અરજદાર અથવા અધિકારીને જૂની ફાઇલની જરૂરીયાત ઉભી થાય ત્યારે પોટલાઓમાંથી ફાઇલો શોધવામાં વધુ સમય લાગતો હતો. તેમજ કાગળની આયુષ મુજબ અમૂક ફાઇલો વર્ષો પછી રદી થઇ જવાથી અનેક અગત્યના કાગળોથી તંત્રએ હાથ ધોવા પડતા હતા. જેથી સરકારે ઇ-ગવર્નન્સ પોર્ટલ તૈયાર કરી હવે કાગજી ફાઇલોની સાથોસાથ તમામ ડેટા પોર્ટલ ઉતર અપડેટ કરવાનો આદેશ કર્યો છે. જેના લીધે કોઇ પણ અધિકારી તેમના વિભાગની ફાઇલ નંબરના આધારે એક ક્લિકથી શોધી શકશે જેના લીધે કામમાં પારદર્શિતા અને અધિકારીઓની જવાબદારી તેમજ પ્રક્રિયા પેપર લેસ અને ઝડપી બનશે.


ઇ-સરકાર પોર્ટલની મુખ્ય લાક્ષણિકતાઓ

સરકારી પ્રક્રિયાઓનું ઓટોમેશનઃ આ પોર્ટલ સરકારી કામગીરીને સ્વચાલિત બનાવે છે, જેનાથી ફાઇલની હિલચાલ ઝડપી અને કાર્યક્ષમ બને છે.

પારદર્શિતા: દરેક ફાઇલ ક્યાં છે અને કઈ પ્રક્રિયા હેઠળ છે તેની સ્પષ્ટ જાણકારી મળે છે, જે વહીવટમાં પારદર્શિતા લાવે છે.

જવાબદારી: સિસ્ટમમાં દરેક સ્તરે જવાબદારી નક્કી થાય છે, જેથી કામમાં વિલંબ થાય તો તેનું કારણ સરળતાથી જાણી શકાય છે.

અસરકારકતા: સરકારી સેવાઓ નાગરિકોને ઝડપથી અને વધુ સારી રીતે મળી રહે તેની ખાતરી કરે છે.

પેપરલેસ વર્કિંગ: આ પોર્ટલ કાગળના ઉપયોગને ઘટાડીને અથવા બંધ કરીને પર્યાવરણને અનુકૂળ વહીવટને પ્રોત્સાહન આપે છે.

ડિજિટલ સહી: દસ્તાવેજોની ખરાઈ માટે ડિજિટલ સહીનો ઉપયોગ થાય છે, જે તેમની કાયદેસરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

સરળ ટ્રેકિંગ: નાગરિકો અને અધિકારીઓ ફાઇલની વર્તમાન સ્થિતિને સરળતાથી ટ્રેક કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application