કાશ્મીરમાં ભૂકંપ: શનિવારે સાંજે જોરદાર આંચકાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા, અફઘાનિસ્તાન હતું કેન્દ્રબિંદુ
કાશ્મીરમાં ભૂકંપ: શનિવારે સાંજે જોરદાર આંચકાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા, અફઘાનિસ્તાન હતું કેન્દ્રબિંદુ
June 27, 2026 08:42 PM
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શનિવારે (27 જૂન) સાંજે ઉત્તર કાશ્મીર સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે ભયભીત થઈને લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી ખુલ્લા મેદાન તરફ દોડી આવ્યા હતા. કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં ભૂકંપ આવ્યો હોય તેવી આ બીજી ઘટના છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે.
અફઘાનિસ્તાનમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ મળતી માહિતી અનુસાર, શનિવારે આવેલા આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ પાડોશી દેશ અફઘાનિસ્તાનનો હિન્દુકુશ ક્ષેત્ર હતો. અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો, જેના આંચકા સરહદ પાર કાશ્મીર સુધી અનુભવાયા હતા. રાહતની વાત એ છે કે આ આંચકાના કારણે કાશ્મીરમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. વહીવટીતંત્ર હાલ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.