રા.લો. સંઘની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસ
રા.લો. સંઘની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસ
August 27, 2026 10:17 AM
રાજકોટ-લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડેમેજ કંટ્રોલ માટે પ્રદેશ ભાજપ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ અંતર્ગત ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે રાજકોટની મુલાકાતે આવ્યા છે અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.રા.લો. સંઘની ચૂંટણીમાં વિવિધ બેઠકો પર ઉમેદવારીને લઈને સહકારી આગેવાનોમાં મતભેદો અને આંતરિક ખેંચતાણની સ્થિતિ વચ્ચે અનિરુદ્ધ દવેની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમણે સંઘ સાથે સંકળાયેલા આગેવાનો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે અલગ-અલગ ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચૂંટણીમાં પક્ષની અંદર રહેલા મતભેદો દૂર થાય અને શક્ય તેટલી સહમતીથી ઉમેદવારી પ્રક્રિયા આગળ વધે તે દિશામાં ચર્ચાઓ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે યોજાયેલી આ બેઠકોને પગલે કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. રા.લો. સંઘની ચૂંટણીમાં હવે અંતિમ ચિત્ર સ્પષ્ટ થયા બાદ સહકારી રાજકારણમાં કયા જૂથનું પલડું ભારે રહેશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે.