BREAKING NEWS

33 જિલ્લાઓના એક-એક ઉત્પાદનને જીઆઈ ટેગ અપાવવાની માટે કવાયત

  • October 06, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’(ઓ.ડી.ઓ.પી ) કાર્યક્રમ હેઠળ રાજ્યના તમામ 33 જિલ્લાઓમાંથી એક-એક મુખ્ય ઉત્પાદનની ઓળખ કરી છે. હવે આ ઉત્પાદનોમાંથી મોટાભાગના ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ અપાવવાની દિશામાં રાજ્ય સરકારે કામગીરી તેજ કરી છે. જીઆઈ ટેગથી સ્થાનિક ઉત્પાદનોને વિશિષ્ટ ઓળખ મળવાની સાથે નિકાસ વધારવા અને ખેડૂતો, કારીગરો, ઉત્પાદકો તથા એમ.એસ.એમ.ઈ ક્ષેત્રની આવકમાં વધારો કરવાનો સરકારનો ઉદ્દેશ છે.મુખ્યમંત્રી સમક્ષ ગત સોમવારે ઓડીઓપીના અમલીકરણની સ્થિતિ અંગે વિશેષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને ઓડીઓપી હેઠળ વધુમાં વધુ ઉત્પાદનોને જીઆઈ ટેગ મળે તે માટે જરૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપી હતી. સ્થાનિક ઉત્પાદનોને મજબૂત બ્રાન્ડ ઓળખ અને દેશ-વિદેશના બજારો સુધી પહોંચ મળે તે માટે ગુણવત્તા, પેકેજિંગ અને નિકાસ સજ્જતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.ઓડીઓપીની યાદીમાં ગુજરાતના વિવિધ જિલ્લાની આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિશેષતા ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ગાર્મેન્ટ અને એપેરલ, અમરેલી તથા જૂનાગઢમાં મગફળી આધારિત ઉત્પાદનો, આણંદ અને મહેસાણામાં ડેરી ઉત્પાદનો, ગીર સોમનાથમાં કેસર કેરી અને નવસારીમાં આલ્ફોન્સો કેરીને સ્થાન મળ્યું છે.કચ્છની હસ્તકલા, સુરતના રત્ન અને જ્વેલરી તથા રાજકોટના મશીનરી ઉત્પાદનોને પણ ઓડીઓપી હેઠળ ઓળખવામાં આવ્યા છે. બનાસકાંઠામાં ગ્રેનાઈટ-માર્બલ બ્લોક્સ, ભરૂચમાં રસાયણો, ભાવનગરમાં ડિહાઈડ્રેટેડ ડુંગળી અને સાબરકાંઠા તથા મોરબીમાં સિરામિક ટાઈલ્સનો સમાવેશ થાય છે. નર્મદામાં કેળા, વડોદરામાં ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ ઉત્પાદનો અને વલસાડમાં કેમિકલ પ્રોડક્ટ્સની ઓળખ કરવામાં આવી છે.સરકાર હવે ઉત્પાદકોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડવા બાયર-સેલર મીટિંગ તથા બીટુબી ઇન્ટરેક્શન યોજશે. ઉપરાંત ઉત્પાદનો, ઉત્પાદકો, ખેડૂતો, કારીગરો, બજારો, સરકારી યોજનાઓ અને નિકાસની તકો અંગે માહિતી ઉપલબ્ધ કરાવવા સમર્પિત ઓડીઓપી પોર્ટલ બનાવવાની પણ દરખાસ્ત છે.હાલ ગુજરાતના 31 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળેલા છે. હવે ઓડીઓપી સાથે જીઆઈ ટેગની કવાયત જોડાતા રાજ્યના પરંપરાગત ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં નવી ઓળખ અને બજાર મળવાની આશા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application