BREAKING NEWS

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં આઠ ભારતીય મૂળના ઉમેદવારો અજમાવી રહ્યા છે કિસ્મત

  • October 26, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના આઠ ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન યોજાનારી આ ચૂંટણીમાં અર્થતંત્ર, મોંઘવારી અને ઊર્જાના ભાવ મુખ્ય મુદ્દાઓ છે. ચૂંટણીનાં પરિણામો અમેરિકી સંસદમાં આગામી બે વર્ષ સુધી કઈ પાર્ટીનું વર્ચસ્વ રહેશે તે નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.આ ચૂંટણીમાં અમેરિકી પ્રતિનિધિ સભાની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે મતદાન થવાનું છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં ગવર્નર, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજાશે.અખબારી અહેવાલ મુજબ, ભારતીય મૂળના આઠ ઉમેદવારો વિવિધ રાજકીય હોદ્દા માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમાં સાત ઉમેદવારો ડેમોક્રેટિક પાર્ટીના છે, જ્યારે એક ઉમેદવાર રિપબ્લિકન પાર્ટી તરફથી મેદાનમાં છે.ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોમાં રો ખન્ના અને અમી બેરા કેલિફોર્નિયામાંથી, પ્રમિલા જયપાલ વોશિંગ્ટનમાંથી, અમીષ શાહ એરિઝોનામાંથી અને સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયામાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત જોશ કોલ વિસ્કોન્સિનમાં એટર્ની જનરલના પદ માટે અને નિત્યા રમન લોસ એન્જલસના મેયરપદ માટે મેદાનમાં છે. રિપબ્લિકન પાર્ટી તરફથી વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નરપદ માટે ચૂંટણી લડી રહ્યા છે.અમેરિકાની પ્રતિનિધિ સભામાં ભારતીય મૂળના સાંસદોના જૂથને અનૌપચારિક રીતે ‘સમોસા કૉકસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથ ભારતીય-અમેરિકન સમુદાયના રાજકીય પ્રતિનિધિત્વ અને નીતિગત મુદ્દાઓ માટે મહત્ત્વ ધરાવે છે.રો ખન્ના, પ્રમિલા જયપાલ, અમી બેરા અને સુહાસ સુબ્રમણ્યમ જેવા નેતાઓ અમેરિકાના રાજકીય ક્ષેત્રમાં ભારતીય મૂળના લોકોની ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે.આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનું પ્રદર્શન અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાયના વધતા રાજકીય પ્રભાવ અંગે સંકેત આપી શકે છે. ખાસ કરીને સંસદ અને રાજ્ય સ્તરે તેમની હાજરી વધવાથી વિવિધ નીતિગત મુદ્દાઓ પર સમુદાયનો અવાજ વધુ મજબૂત બની શકે છે. જોકે, ઉમેદવારોની જીત કે હારનો અંતિમ નિર્ણય મતદારોના સમર્થન અને ચૂંટણીનાં પરિણામો પર નિર્ભર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application