સાઉદી અરેબિયામાં ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે નિર્મિત JF-17 થંડર ફાઈટર જેટ્સની આખી સ્કવોડ્રન અને મિલિટરી ડ્રોનની બે સ્કવોડ્રન તૈનાત હોવા છતાં, પાકિસ્તાન સરકારે યમનના હૂથી વિદ્રોહીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાના અહેવાલોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ દ્વારા રાતા સમુદ્ર (રેડ સી) અને સાઉદી અરેબિયાના ઊર્જા માળખા પર સતત ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના એ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે જેમાં દાવો કરાયો હતો કે પાકિસ્તાની સેના યમનમાં પ્રત્યક્ષ સૈન્ય કાર્યવાહી કરી રહી છે.
હકીકતમાં યમનમાં 2014 માં શિયા હૂથી આંદોલને રાજધાની સના પર કબજો કર્યો હતો, જેના જવાબમાં માર્ચ 2015 માં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને હસ્તક્ષેપ કર્યો હતો. વર્ષ 2026 માં આ સંઘર્ષ ફરી એકવાર ભડકી ઊઠ્યો છે. હૂથીઓએ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટમાં દરિયાઈ નાકેબંધી કરીને સાઉદી ઓઈલ સુવિધાઓને નિશાન બનાવી છે, જેનાથી વૈશ્વિક ઊર્જા પરિવહન પર માઠી અસર પડી છે.
જોકે પાકિસ્તાન સીધા હુમલાથી ઈનકાર કરી રહ્યું છે, પરંતુ સાઉદી અરેબિયામાં તેની લશ્કરી હાજરી અત્યંત વ્યાપક છે. મીડિયા અહેવાલો મુજબ, હાલમાં સાઉદી અરેબિયામાં આશરે 8000 પાકિસ્તાની સૈનિકો તૈનાત છે. ત્યાં પાકિસ્તાની એરફોર્સના વિમાનો ઉપરાંત ચીન નિર્મિત HQ-9 લોંગ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત છે. આ તમામ હથિયારો પાકિસ્તાની સૈનિકો જ ઓપરેટ કરે છે, જ્યારે તેનો તમામ લોજિસ્ટિક્સ અને મેન્ટેનન્સનો ખર્ચ સાઉદી સરકાર ઉઠાવે છે.
તાજેતરના હુમલાઓ બાદ પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ આસિમ મુનીરે રિયાધની મુલાકાત લઈને સાઉદી અરેબિયા અને તુર્કીના સેનાપ્રમુખો સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી. ત્રણેય દેશોએ ઓગસ્ટમાં મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સિવાય પાકિસ્તાન અને સાઉદી અરેબિયા 2025 ના વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરારથી પણ જોડાયેલા છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાન પોતાની સરહદો પરની અશાંતિ વચ્ચે કોઈ નવા યુદ્ધમાં સીધા કૂદવાથી બચી રહ્યું છે, જેથી તેના સંરક્ષણ કરારો હાલ પૂરતા માત્ર કાગળ પર જ સીમિત દેખાઈ રહ્યા છે.