BREAKING NEWS

અમેરિકન એકસપ્રેસ ક્રેડીડ કાર્ડ માટે પસંદગી થઇ છે કહી વૃધ્ધ સાથે ૨.૪૫ લાખની ઠગાઇ

  • October 06, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કાલાવડ રોડ પર પ્રદ્યુમન ગ્રીનસીટીમાં રહેતાં વૃધ્ધને તમારૂ નામ અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડ માટે સીલેક્ટ થયું છે તમને ક્રેડીટ કાર્ડ મોકલવાનું છે કહીં લિંક મારફતે આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક ડિટેઇલ્સ મેળવી રૂ.૨.૪૫ લાખ ઉપાડી લીધા હતાં. જે અંગે વૃધ્ધ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


બનાવ અંગે કાલાવડ રોડ પર પ્રધ્યુમન ગ્રીનસીટી, ૧૦૧ રાજયોગ વૃંદાવન સોસાયટી મેઇન રોડ પર રહેતાં રાજીવભાઈ મગનભાઈ ગોંધીયા (ઉ.વ.૬૨) એ નોંધાવેલ જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવ્રુત જીવન પસાર કરે છે. ગઇ તા. ૦૫/૦૮/૨૦૨૫ ના બપોરના બારેક વાગ્યાની આસપાસ તેમના મોબાઇલ નંબર ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિના ફોન આવ્યો હતો અને હિન્દીમાં પોતાની ઓળખાણ અમેરીકન એક્સપ્રેસના કર્મચારી તરીકેની આપી કહ્યું હતું કે, તમારૂ નામ અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડ માટે સીલેક્ટ થયેલ છે. જેથી તમને અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડ આપવાનુ છે તેમ વાત કરી અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડના જુદા-જુદા બેનીફીટ્સ જણાવી કહ્યું હતું કે, તમે જો અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડ મેળવવા માંગતા હોય તો તમને મોકલવામા આવેલ લીંક ઓપન કરી આપવામા આવેલ સુચના મુજબની માહીતી ભરવાની રહેશે.


આ શખસે કહ્યું હતું કે, બેત્રણ દિવસમા અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડ તમારા ઘરે મળી જશે તેમ વાત કરી હતી. જેથી તેમણે મોબાઇલમાં વોટ્સ-એપમાં લીંક મોકલેલ જે ઓપન કરી તેના કહ્યા મુજબ બેન્કના ક્રેડીટકાર્ડ અંગેની માહીતી ભરી હતી. દરમિયાન તેમની પત્નીએ જણાવ્યું કે, આ ફ્રોડ કોલ હોય શકે છે તેમ વાત કરતા તેઓએ ફોન કોલ કાપી નાખેલ હતો. થોડી વાર બાદ તેઓ એચડીએફસી મોટામવા બ્રાંચ ખાતે ગયેલ અને આ બનાવ બાબતે ત્યા હાજર બેંક કર્મચારીને વાત કરેલ હતી. ફરીયાદીએ તુરંત જ પોતાનું બેંક એકાઉન્ટ અને ક્રેડીટકાર્ડ બ્લોક કરાવેલ હતું.


જે બાદ તેઓએ પોતાનું બેંક એકાઉન્ટ તથા ક્રેડીટ કાર્ડ અનબ્લોક કરાવેલ ત્યારે જાણવા મળેલ કે, ક્રેડીટ કાર્ડમાંથી અલગ અલગ ટ્રાંજેક્શનથી કુલ રૂ. ૨,૪૫,૯૫૨ ડેબીટ થઇ ગયેલ હતા.જેથી તુરંત જ સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પીઆઈ જે.એમ.કૈલા અને ટીમે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application