મોરબીના વજેપરમાં છત પરથી નીચે પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત
મોરબીના વજેપરમાં છત પરથી નીચે પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત
August 22, 2026 11:00 AM
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢનું છતમાં સેન્ટ્રીંગ કામ દરમિયાન અકસ્માતે પટકાતા ગંભીર ઇજા પહોંચ્યા બાદ સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં વીસીપરા વિસ્તારમાં રહેતા ગુલામ હારૂન માલાણી(ઉ.વ.૫૬) નામના પ્રૌઢ સાંજના સમયે મોરબીના વજેપર વિસ્તારમાં ભરતભાઇ સતવારાના ઘરે છત બાંધવાનું સેન્ટ્રીંગ કામ કરી રહ્યા હતા. દરમિયાન કામ કરતી વખતે અચાનક તેમણે સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા આસપાસના લોકોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતાં.બાદમાં પ્રૌઢને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટુંકી સારવાર બાદ પ્રૌઢે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. બનાવના પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ગુલામભાઇ માલાણીના પરિવારમાં સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.