BREAKING NEWS

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી નિશ્ચિત: જયેશ રાદડિયા, ઉદય કાનગડ એક થઈ ગયા, અરવિંદ રૈયાણીની કુવાડવા સહિતની પાંચ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે

  • August 27, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા સહકારી સંઘ લિમિટેડની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ આમને સામને જંગ ખેલી રહ્યા છે જેમાં ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાને હાલ સુધી ધારાસભ્ય જયેશ રાદડિયાનો ટેકો હતો અને તેમના પ્રતિસ્પર્ધી પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટનો ટેકો હતો. દરમિયાન સહકારી ક્ષેત્રના આ ચૂંટણીજંગમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે પણ ઝંપલાવ્યું છે અને નીતિન ઢાંકેચાને જીતાડવા પ્રયાસો આદર્યાનું સામે આવ્યું છે. ૧૦ બેઠક બિનહરીફ થઈ છે અને પાંચ બેઠક ઉપર ચૂંટણી યોજાશે તે નિશ્ચિત બન્યું છે.


જેતપુર વિધાનસભા બેઠકથી જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ચાલતો રાજકીય જંગ સર્વવિદિત છે, દરમિયાન વિધાનસભાની ગત ચૂંટણીમાં ૬૮-પૂર્વ રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ઉદય કાનગડની વિરૂધ્ધમાં અરવિંદ રૈયાણીએ કામગીરી કર્યાની ફરિયાદો પ્રદેશ સુધી પહોંચી હતી. આ બન્ને ઘટનાની પશ્ચાદભૂ વચ્ચે હાલ લડાઇ રહેલી રા.લો.સંઘની ચૂંટણીમાં બરાબરનો રાજકીય જંગ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ રૈયાણીએ ઉદય કાનગડ વિરુદ્ધ કામ કર્યું હોય હવે ધારાસભ્ય ઉદય કાનગડ રૈયાણીને હરાવવા મેદાને ઉતર્યા હોવાની ચર્ચા છે.


આજે બપોરની સ્થિતિએ ૧૦ બેઠક ઉપર ફોર્મ પરત ખેંચાઇ ગયા છે, હવે પાંચ બેઠક માટે ચૂંટણી યોજાશે. જો કે ચેરમેન પદના પ્રબળ દાવેદાર મનાતા નીતિન ઢાંકેચા સરધાર બેઠક ઉપરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી અરવિંદ રૈયાણીને ચેરમેન બનવા માટે ચૂંટણીની વૈતરણી પાર કરવી પડશે.


રા.લો.સંઘની ચૂંટણીમાં આ વખતે પાર્ટી મેન્ડેટ આપનાર ન હોય જો જીતા વહી સિકંદર વાળી થશે. કુવાડવા, ખોખડદળ, રૈયા-માધાપર, ત્રંબા અને હલેન્ડા બેઠક ઉપર ચૂંટણી જંગ ખેલાશે. રા.લો.સંઘની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવા આવેલા પ્રદેશ મહામંત્રી અનિરુધ્ધભાઈ દવે પણ રાજકોટ શહેર જિલ્લા ભાજપમાં ચાલતી આંતરિક ખેંચતાણથી ભારે વ્યથિત થઈ ગયા હતા અને ગત સાંજે જ પરત ફર્યા હતા તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application