કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્રમાં વીજળી ખાનગીકરણ, ઈલેકટ્રીસિટી એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ તથા પ્રસ્તાવિત ઈલેકટ્રીસિટી પોલિસી ૨૦૨૬ વગેરેના વિરોધમાં દેશભરમાં વીજ ઇજનેરોની હડતાળના એલાન સંદર્ભે ગુજરાતમાં ૭ હજાર ઈજનેરો સહિત ૪૫ હજાર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, તેમ જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જણાવાયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ થનારા ઈલેકટ્રીસિટી બિલ સહિતના મુદ્દે દર્શાવેલા વિરોધમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર્સ એસોસીએશને જણાવ્યું છે કે (૧) વીજળી સુધારા બિલ ૨૦૨૫ તાત્કાલિક પાછુ ખેંચવામાં આવે. (૨) શાંતિ અધિનિયમ ૨૦૨૫ વિદેશી હિતોને પ્રાધાન્ય આપતો હોવાથી પાછો ખેંચવો. (૩) સ્માર્ટ મીટરીંગ પાછુ ખેંચવું. (૪) નોકરીઓનું કરારીકરણ બંધ કરવું. (૫) ખાલી જગ્યાઓ ત્વરીત ભરવી. (૬) જૂની પેન્શન યોજના પુન: સ્થાપિત કરવી. (૭) ઉત્તર પ્રદેશમાં વીજતંત્રના સંપૂર્ણ ખાનગીકરણ ઉપર રોક લગાવવી. આ પ્રકારના પ્રશ્નો અંગે કેન્દ્રીય ઉર્જા મંત્રીને ફેડરેશન દ્વારા ૧૦ દિવસ પહેલાં નોટીસ આપવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ પ્રકારનો સાનુકૂળ પ્રતિસાદ નહીં મળતા તા.૧૨ના બપોરે ૨ વાગ્યે રીશેષ દરમિયાન ગુજરાતના તમામ કર્મચારીઓ વીજ કંપનીઓની મુખ્ય ઓફિસોમાં એકઠા થઈ ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાશે.