જામનગરમાં નવા વર્ષના પ્રારંભે વીજકંપનીની ૩૫ ટીમે કરેલા ચેકીંગમાં ખાનગી શાળા સહીત ૮૬ સ્થળ પરથી અડધા કરોડની વીજચોરી ઝડપાઇ છે. બેડી, બેેડેશ્ર્વર, પંચવટી, સતવારા વાડ, દરબારગઢ, લીમડા લેન, ગાંધીનગર, મોમાઇનગર સહીતના વિસ્તારોમાં કરવામાં આવેલા ચેકીંગમાં ૨૨૬ વીજજોડાણની તપાસમાં ૮૬ માં ગેરરીતિ ખૂલી હતી. આથી પાવરચોરી કરનાર આસામીઓને દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં.
નવા વર્ષના પ્રારંભે પીજીવીસીએલની ચેકીંગ સ્કવોડની ૩૫ ટીમ દ્રારા શનિવારના શહેરના બેડી, બેેડેશ્ર્વર, લીમડા લેન, ગાંધીનગર, મોમાઇનગર, પંચવટી, સતવારા વાડ, દરબારગઢ સહિતના શહેરની મઘ્ય અને છેડાના બંને વિસ્તારોમાં વીજચેકીંગ અર્થે ત્રાટકી હતી. પીજીવીસીએલની વિજીલન્સની આ તપાસમાં વડોદરા, રાજકોટથી આવેલી ટીમો સ્થાનિક ટીમોને સાથે લઇને ચેકીંગ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં લગભગ જામનગરમાં ટી એન્ડ ડી લોશ સૌથી વધુ છે, જેનો મતલબ એ થાય છે કે, જે સપ્લાય આવે છે તેની સામે જે બીલ બને છે તે ઓછા હોય છે અને વપરાશ વધુ હોય છે, તેના પરથી એવો અંદાજ કાઢવામાં આવે છે કે, વિજ ચોરી થઇ રહી છે અને ત્યારબાદ જ દરોડાઓની ઘોસ બોલાવવામાં આવે છેે.
શનિવારે શહેરમાં હાથ ધરવામાં આવેલા વીજ ચેકીંગમાં જુદા-જુદા વિસ્તારમાં કુલ ૨૨૬ વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૮૬ વીજ જોડાણમાં ગેરરીતી ખૂલી હતી. ચેકીંગ દરમ્યાન એક ખાનગી શાળા દ્રારા પણ વીજચોરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વીગતો પણ ખૂલી છે. આથી ખાનગી શાળા ને ા.૯ લાખનું દંડનીય બીલ ફટકારવામાં આવ્યું છે. આમ વીજકંપનીએ હાથ ધરેલી તપાસ દરમ્યાન ૮૬ વીજજોડાણમાં જુદા-જુદા પ્રકારે વીજચોરી કરવામાં આવતી હોવાનું ખૂલતા વીજચોરી કરનાર આસામીઓને કુલ અડધા કરોડના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં. અત્રે નોંધનીય છે કે, જામનગર ટી એન્ડ ડી લોસમાં સૌરાષ્ટ્રમાં મોખરે હોય છાશવારે ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. આમ છતાં ટી એન્ડ ડી લોસમાં ખાસ્સો ફેર પડતો ન હોય અનેક સવાલો ઉઠ્યા છે.