લાલપુર પોલીસ સ્ટેશન હેઠળના કેટલાક ગુનેગારોના મકાનને ટાર્ગેટ કરીને ગઈકાલે સ્થાનિક પોલીસે પીજીવીસીએલ તંત્રને સાથે રાખીને ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ૬ આરોપીઓના ઘરોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કેટલાક આરોપીઓના ઘરેથી ૪૮,૦૦૦ની વીજચોરી પકડી પાડી હતી. જ્યારે ઓવરલોડ વીજ ચોરીમાં એક મહિલા સહિત ત્રણ આરોપીને નોટીસ આપવામાં આવી છે.
લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાના માર્ગદર્શન મુજબ લાલપુર પોલસ સ્ટેશન વિસ્તારના બુટલેગરો તેમજ શરીર સંબંધી આરોપીઓને ત્યાં વિજ તંત્ર ના સ્ટાફને સાથે રાખીને પીઆઈ કે.એલ. ગળચરે વીજ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં રોકાયેલો હતો.
વીજ ચેકીંગ દરમિયાન આરોપી ધરારનયરના મંજુબેન મહેબુબભાઈ નોતીયાર, ધરારનયર ધારના હનીફ હુશેનભાઈ નોતીયાર, અરમાન સલીમભાઈ દલ, આસીફ હાસમ ધુંધા, ગોવાણા ગામના હમીર સાજણભાઈ કરંગીયા, અને રણમલ મેપાભાઈ કરંગીયાના મકાનોમાં વીજ ચોરી અંગે ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમ્યાનમાં નીચે જણાવેલ ઇસમોને ત્યાં ગેરરીતી થતી હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમના વિરુઘ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ૪૮,૦૦૦ના વિજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે. અને તે આરોપીઓના ઘરના વીજ કનેકશનો કટ કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન અરમાનભાઈ સલીમભાઈ દલ, હમીર સાજણભાઈ કરંગીયા અને મંજુબેન મહેબુબભાઈ નોતીયારના ઘરોમાં વીજ ઓવરલોડની નોટીસો આપવામાં આવી છે. પોલીસ અને વીજતંત્રની આ કામગીરીથી આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.