ટેસ્લાની વાર્ષિક બેઠક યોજાય તે પહેલા બોર્ડ અધ્યક્ષએ રોકાણકારોને ચેતવણી પત્ર લખ્યો: આગામી 7.5 વર્ષ માટે મસ્કને જાળવી રાખવા અને પ્રોત્સાહિત કરવા માટે આ પેકેજની મંજૂરી જરૂરી
સપ્ટેમ્બરમાં, ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના બોર્ડે સીઈઓ ઈલોન મસ્ક માટે 1 ટ્રિલિયન ડોલર પેકેજનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે, કંપનીના બોર્ડ અધ્યક્ષે રોકાણકારોને ચેતવણી આપી છે કે જો આ પેકેજ મંજૂર નહીં થાય, તો મસ્ક સીઈઓ પદ છોડી શકે છે. ટેસ્લાની વાર્ષિક બેઠક 6 નવેમ્બરે યોજાવાની છે. બોર્ડ અધ્યક્ષ રોબિન ડેનહોલ્મે તે બેઠક પહેલા રોકાણકારોને આ ચેતવણી પત્ર લખ્યો છે.
ડેનહોલ્મે જણાવ્યું હતું કે આગામી 7.5 વર્ષ માટે મસ્કને જાળવી રાખવા અને પ્રોત્સાહિત કરવા માટે આ પેકેજની મંજૂરી જરૂરી છે. તેણીએ જણાવ્યું હતું કે ટેસ્લાની સફળતા માટે મસ્કનું નેતૃત્વ જરૂરી છે, અને જો તેમનું પેકેજ મંજૂર નહીં થાય, તો કંપની તેમનો સમય, પ્રતિભા ગુમાવી શકે છે. મસ્કે પણ આ દરખાસ્તનો બચાવ કર્યો છે. રોકાણકારો સાથેની તાજેતરની બેઠક દરમિયાન, મસ્કે જણાવ્યું હતું કે ટેસ્લાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ જરૂરી છે . તેમણે કહ્યું, એવું નથી કે હું તે બધું ખર્ચ કરીશ. મને મજબૂત પ્રભાવ રાખવા માટે પૂરતું મતદાન નિયંત્રણ આપવું જોઈએ, પરંતુ તે એટલું બધું ન હોવું જોઈએ કે જો હું પાગલ થઇ જાઉં તો મને કાઢી ન શકાય.
ટેસ્લાએ મસ્ક માટે 1 ટ્રિલિયન ડોલર પેકેજ મેળવવા માટે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા છે. જો તે કંપનીનું બજાર મૂલ્ય વર્તમાન 1.1 ટ્રિલિયન ડોલરથી વધારીને 8.5 ટ્રિલિયન ડોલર (વર્તમાન સ્તર કરતાં આઠ ગણું અને કોઈપણ કંપની માટેનો રેકોર્ડ બમણું) કરે તો તેને આ પેકેજ મળશે. આ પેકેજ મેળવવા માટે, તેણે ઓછામાં ઓછા 7.5 વર્ષ સુધી સીઈઓ તરીકે રહેવું પડશે. તેણે 1 મિલિયન ઓટોનોમસ ટેક્સીઓ, 10 રોબોટ્સ પણ તૈનાત કરવા પડશે અને કંપનીનો નફો 24 ગણો વધારવો પડશે. આ લક્ષ્યોને પૂર્ણ કરવાથી મસ્કને $1 ટ્રિલિયન પેકેજ મળશે અને તે વિશ્વનો પ્રથમ ટ્રિલિયનપતિ બની શકે છે.