આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ જ્યારે કોઈ પરિવાર સફર કરી રહ્યો હોય અને અચાનક તેમનું વહાલસોયું સંતાન આંખો મીંચી દે, ત્યારે એ માતા-પિતા પર શું વીતતી હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી લાવી દે છે. આવી જ એક શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના સોમવારે સાંજે આકાશમાં ઘટી, જ્યાં સમયસૂચકતા, તબીબોની ફરજપરસ્તી અને પાયલટના એક ત્વરિત નિર્ણયોએ મળીને એક માસૂમ જીવને નવું જીવન આપ્યું છે.
અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે હૃદયના ધબકારા વધારી દે તેવી તબીબી કટોકટી (Medical Emergency) સર્જાઈ હતી. વિમાન હવામાં હતું ત્યારે જ એક ૩ વર્ષનું માસૂમ બાળક અચાનક બેભાન થઈ ગયું હતું. જોકે, પાયલટે સહેજ પણ સમય ગુમાવ્યા વિના માનવતા દાખવી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. યોગ્ય સમયે મળેલી એરપોર્ટ તંત્રની મેડિકલ સહાયના કારણે બાળકનો જીવ બચી ગયો છે.
હવામાં સર્જાઈ કટોકટી
ઘટનાની વિગતો મુજબ સોમવારે સાંજે આશરે ૮:૨૦ વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-7018 અમદાવાદથી ઉડાન ભરીને મુંબઈ તરફ જઈ રહી હતી. મુસાફરી દરમિયાન પ્લેનમાં સવાર માસ્ટર સૌરભ નામના ૩ વર્ષના બાળકની તબિયત અચાનક બગડી હતી અને તે જોતજોતામાં બેભાન થઈ ગયો હતો. બાળકની આ સ્થિતિ જોઈને તેના માતા-પિતાના હોશ ઊડી ગયા હતા અને પ્લેનમાં અફરાતફરી મચી ગઈ હતી.
બે મુસાફર ડોક્ટરો આવ્યા મદદે
સદનસીબે ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે તબીબો તાત્કાલિક બાળકની વહારે આવ્યા હતા. તેમણે બાળકની સ્થિતિ સુધારવા હવામાં જ પ્રાથમિક સારવાર આપવાના પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ બાળકની તબિયત વધુ લથડતી જણાતી હતી.
પાયલટનો સચોટ નિર્ણય અને સુરત એરપોર્ટ ‘એલર્ટ મોડ’ પર
સ્થિતિ હાથ બહાર જતી જોઈને ફ્લાઇટના પાયલટે સહેજ પણ મોડું કર્યા વગર ઓન-બોર્ડ મેડિકલ ઇમરજન્સી જાહેર કરી અને સુરત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધી ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી.
સુરત એરપોર્ટને જેવી માહિતી મળી કે તુરંત જ સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું હતું અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF), એરપોર્ટની મેડિકલ ટીમ અને ઇન્ડિગોની ગ્રાઉન્ડ ટીમે રનવે પર મોરચો સંભાળી લીધો.