વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના ત્રિવેણી ધ્યેયને સાકાર કરવાના ઉદ્દેશ સાથે ગુજરાતમાં રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યો ભાનુબેન બાબરીયા અને ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં સશક્ત નારી મેળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળાની પહેલ સુશાસન સપ્તાહ, હર ઘર સ્વદેશી ઝુંબેશ અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના રોડમેપ માટે સહાયરૂપ બનશે. સશક્ત નારી મેળા નારીશક્તિ, સ્વદેશી ઉત્પાદનો અને આત્મનિર્ભરતાનો ઉત્સવ છે. જેનો આશય સ્થાનિક હસ્તકલા અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો તેમજ મહિલાલક્ષી સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને આજીવિકા કાર્યક્રમો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ગુજરાત સરકાર આયોજિત મેળાઓ થકી ગ્રામ્ય ઉદ્યોગકારો, મહિલા સ્વસહાય જૂથો, નાનો ધંધો ધરાવતા વેપારીઓ, કારીગરોને રોજગારી મળી રહે છે. જો દરેક પરિવાર સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે તો આત્માનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થાય. આથી, રાજકોટવાસીઓ અહીંથી વધુમાં વધુ ખરીદી કરે અને સ્વદેશી વસ્તુઓ અપનાવે, તેવો અનુરોધ છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે આત્મનિર્ભર નારી થકી આત્મનિર્ભર પરિવાર, તેના થકી આત્મનિર્ભર ગુજરાત અને તેના થકી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર થશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત સરકાર આયોજિત વેચાણ સહ પ્રદર્શન મેળામાં મહિલાઓને પોતાના ઉત્પાદનો માટે માત્ર વેચાણનો મંચ નહીં, માર્કેટિંગની તક પણ મળતી હોવાની વાત કરી હતી.
આ તકે મહાનુભાવોનું ઢોલના નાદ સાથે સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ. કે. વસ્તાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ લાઇવલીહૂડ મેનેજર વી.બી.બસીયાએ કરી હતી. તેમજ કાર્યક્રમના અંતે મહાનુભાવોએ રીબીન કાપીને મેળાને ખૂલ્લો મુક્યો હતો, મેળાની મુલાકાત લઈને મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ જેલના સ્ટોલની સરાહના કરી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
સશક્ત નારી મેળામાં ૧૦૦થી વધુ સ્ટોલમાં વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ૧૫૦ ફીટ રિંગ રોડ પર રાજકોટ મહાપાલિકાના પ્લોટ ખાતે સશક્ત નારી મેળાનું તા. ૨૧ ડિસેમ્બર સુધી આયોજન કરાયું છે. જેમાં ગ્રામ વિકાસ વિભાગના ૩૦ સ્ટોલ, મહિલા અને આર્થિક વિકાસ નિગમના ૨૫ સ્ટોલ, કોટેજ અને ઈન્સ્ડસ્ટ્રિઝના ૨૬ સ્ટોલ, કૃષિ વિભાગના ૧૫ સ્ટોલ, વન અને પર્યાવરણ વિભાગના ૦૪ સ્ટોલ, કો-ઓપરેટિવ સેક્ટરના ૧૦ સ્ટોલ અને સેન્ટ્રલ જેલના ૦૨ સ્ટોલ મળી વિવિધ વિભાગના કુલ ૧૧૨ જેટલા સ્ટોલ છે.
આ મેળામાં અડદના પાપડ, અળસી મુખવાસ, અજમા મુખવાસ, રાયતો સંભાર, ખાટી કેરી સંભાર, ગોળ કેરી સંભાર, ગરમ મસાલો, મિક્સ મુખવાસ, ભગવાનના વાઘા-વસ્ત્ર, થાબડી પેંડા, ઓર્ગેનિક સાબુ, શેમ્પૂ, પર્સ/હેન્ડ બેગ, થેલી, તકીયા કવર, ગાદલા કવર, બાજોટ, પાટલા, મુખવાસદાની, ઈમીટેશન જવેલરી, વિવિધ કઠોળ, ગરમ કપડાં, ખાખરા, કચ્છી વર્કના ગોદડા-રજાઈ-તકીયા, રસોડાંની વસ્તુઓ, પુજાની થાળી, ગિફ્ટ આઈટમ, ફોટો ફ્રેમ, ઉનની વસ્તુઓ, તોરણ-ટોડલીયાં, ટીફીન બેગ, મોબાઈલ બેગ, મંડાલા આર્ટ, વોલ પીસ, ઈમિટેશન જ્વેલરી, અગરબતી, પટોળા, છાબ ડેકોરેશન, બેંગલ્સ, લગ્નવિધિની વસ્તુઓ, હાથ બનાવટના બુટ ચંપલ, લાકડાની કોતરણીકામની વસ્તુઓ, શણ અને અન્ય રેસામાંથી બનાવેલ વિવિધ હોમ ડેકોરની વસ્તુઓ, ખાદીના કપડા અને તેની બનાવટ, છાણમાંથી બનાવેલાં ધૂપ-દીવા-હેન્ડી ક્રાફ્ટ, ટેરાકોટાની વિવિધ ગૃહ વપરાશની વસ્તુઓ, જડતર અને સંખેડાની કામગીરી, હાથશાળની વસ્તુઓ, વુલન હેન્ડ બેગ, હોમ મેડ હેર ઓઇલ, અજરખની ચીજ વસ્તુઓ, મોતીકામ, લાકડાની કોતરણી, મડ મીરર વર્ક, વ્હાઇટ મેટલ, બાંધણી, આયુર્વેદિક વસ્તુઓ, પથ્થરની આઈટમ, બાજરીના બિસ્કીટ, રાગીના ભૂંગળા, મસાલા પાક, તેલ, કઠોળ, રાગી, બાજરી, રાજગરો સહિતની ચીજવસ્તુઓ મળી રહેશે.