બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાનું વધી રહેલું વ્યસન હવે અમેરિકામાં મોટી ચિંતાનો વિષય બન્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોના પ્રવેશને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવાની તરફેણમાં અમેરિકામાં મોટો જનમત ઊભો થયો છે. તાજેતરના સર્વે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરી શકે તે માટે ફરજિયાત ઉંમર ચકાસણીની વ્યવસ્થા લાગુ કરવાના કાયદાને 66 ટકા અમેરિકનોએ સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, 61 ટકા અમેરિકનો માને છે કે સોશિયલ મીડિયા કંપનીઓ પર સરકારનું નિયંત્રણ વધુ કડક થવું જોઈએ.
આ સર્વેમાં સૌથી ચોંકાવનારી બાબત બાળકો પર સોશિયલ મીડિયાની અસર અંગે અમેરિકનોની ધારણા છે. સર્વેમાં ભાગ લેનારા 85 ટકા લોકોએ જણાવ્યું કે સોશિયલ મીડિયા બાળકો માટે વ્યસનકારક બની શકે છે. લગભગ એટલા જ લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે એવો મત વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા કંપનીઓ ખાસ કરીને કિશોર વયના યુઝર્સને લાંબો સમય પ્લેટફોર્મ પર રોકી રાખે તેવી ડિઝાઇન અને અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે કે કેમ તે મુદ્દે અમેરિકામાં કાયદાકીય અને રાજકીય દબાણ સતત વધી રહ્યું છે.
રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પ્રતિબંધની તરફેણમાં
અમેરિકામાં અનેક મુદ્દાઓ પર રિપબ્લિકન અને ડેમોક્રેટ મતદારો વચ્ચે મોટો મતભેદ જોવા મળે છે, પરંતુ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણના મુદ્દે બંને પક્ષના મતદારોમાં નોંધપાત્ર સહમતી જોવા મળી છે. સોશિયલ મીડિયા કંપનીઓ પર વધુ કડક સરકારી દેખરેખ હોવી જોઈએ એવું 71 ટકા ડેમોક્રેટ અને 62 ટકા રિપબ્લિકન મતદારોએ જણાવ્યું હતું.
16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે ઉંમરની ચકાસણી ફરજિયાત કરવાના પ્રસ્તાવને રિપબ્લિકન મતદારોમાં 74 ટકા અને ડેમોક્રેટ મતદારોમાં 69 ટકા સમર્થન મળ્યું હતું. આમ, અમેરિકામાં રાજકીય રીતે વિભાજિત ગણાતા બંને મોટા પક્ષોના મતદારો આ મુદ્દે લગભગ એક જ દિશામાં વિચારી રહ્યા હોવાનું સર્વે દર્શાવે છે.
મેટા સહિતની ટેક કંપનીઓ પર દબાણ વધ્યું
આ સર્વે એવા સમયે સામે આવ્યો છે જ્યારે મેટા અને યુટ્યુબ જેવી મોટી ટેક કંપનીઓ બાળકો અને કિશોરો પર તેમના પ્લેટફોર્મની અસરને લઈને કાયદાકીય દબાણનો સામનો કરી રહી છે. અમેરિકાનાં અનેક રાજ્યોમાં સગીર વયના યુઝર્સને સોશિયલ મીડિયાથી થતા નુકસાન અંગે કાર્યવાહી ચાલી રહી છે.
ન્યૂ મેક્સિકોની એક અદાલતે તાજેતરમાં મેટાને બાળકોના કલ્યાણને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર ઠેરવીને 567 મિલિયન ડોલર ટીન મેન્ટલ હેલ્થ ફંડમાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કંપનીને યુવા યુઝર્સ માટે તેના પ્લેટફોર્મની કામગીરીમાં ફેરફાર કરવાનો પણ આદેશ અપાયો હતો. બીજી તરફ મેટાએ પોતાની સામેના આરોપોને નકાર્યા છે.
અમેરિકાનાં એક ડઝનથી વધુ રાજ્યોએ સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરતા કાયદા પસાર કર્યા છે. જોકે ટેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા NetChoice જેવા સંગઠનોએ આવા કાયદાઓને અદાલતમાં પડકાર્યા છે. તેમનો દાવો છે કે યુઝર્સની ઉંમર ચકાસવાની ફરજ પાડતા કાયદા અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન કરે છે. અમેરિકન કોંગ્રેસે જોકે હજુ સુધી બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરતો વ્યાપક સંઘીય કાયદો પસાર કર્યો નથી.