ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી રહી છે. હવે મહિલાઓ માત્ર એક વખત રોકાણ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા નિયમિત રોકાણ પણ કરી રહી છે. ખાસ કરીને યુવા મહિલાઓમાં ઇક્વિટી ફંડ પ્રત્યે વધુ રસ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉંમર વધવાની સાથે તેઓ હાઇબ્રિડ અને ડેટ ફંડ જેવા પ્રમાણમાં સુરક્ષિત વિકલ્પો તરફ પણ વળી રહી છે.એએમએફઆઈ-ક્રિસિલ ફેક્ટબુક 2026 મુજબ, માર્ચ 2026 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડના દર ચાર રોકાણકારોમાં લગભગ એક મહિલા છે. કુલ 6.09 કરોડ રોકાણકારોમાં 1.61 કરોડ મહિલાઓ છે. એટલે કે કુલ રોકાણકારોમાં મહિલાઓની ભાગીદારી 26.4 ટકા છે.મહિલાઓની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે એયૂએમમાં પણ મોટો વધારો થયો છે. માર્ચ 2021માં મહિલાઓનું કુલ એયૂએમ રૂ.5.84 લાખ કરોડ હતું, જે વધીને માર્ચ 2026માં રૂ.15.88 લાખ કરોડ થયું છે. એટલે કે પાંચ વર્ષમાં મહિલાઓના રોકાણમાં રૂ.10.04 લાખ કરોડનો વધારો થયો છે. વ્યક્તિગત રોકાણકારોના કુલ એયૂએમમાં મહિલાઓની ભાગીદારી પણ 32.6 ટકાથી વધીને 34.5 ટકા થઈ છે.રાજ્યોમાં મિઝોરમ અને ઓડિશામાં મહિલાઓની એયૂએમ ભાગીદારી સૌથી વધુ 40 ટકા રહી હતી. ત્યારબાદ ચંદીગઢ, મહારાષ્ટ્ર અને આંદામાન-નિકોબારમાં 37 ટકા ભાગીદારી જોવા મળી. જ્યારે લક્ષદ્વીપમાં મહિલાઓની ભાગીદારી સૌથી ઓછી 16 ટકા રહી.ઉંમર પ્રમાણે જોવામાં આવે તો 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના એયૂએમમાં 88.3 ટકા હિસ્સો ઇક્વિટી ફંડનો છે. 25થી 44 વર્ષની ઉંમરે આ હિસ્સો 76.2 ટકા, 45થી 58 વર્ષમાં 64.8 ટકા અને 58 વર્ષથી વધુ ઉંમરે 51.2 ટકા થઈ જાય છે.આ સાથે ઉંમર વધે તેમ હાઇબ્રિડ અને ડેટ ફંડમાં રોકાણ વધે છે. 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં હાઇબ્રિડ ફંડનો હિસ્સો 5.4 ટકા છે, જે 58 વર્ષથી વધુ ઉંમરે 29.6 ટકા થઈ જાય છે. ડેટ ફંડનો હિસ્સો પણ 2.1 ટકાથી વધીને 12 ટકા થાય છે.આ આંકડા દર્શાવે છે કે મહિલાઓ હવે રોકાણ અંગે વધુ સક્રિય બની રહી છે અને ઉંમર તથા જોખમની ક્ષમતા પ્રમાણે પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરી રહી છે.મહિલાઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. પાંચ વર્ષથી વધુ સમય માટેના રોકાણનો હિસ્સો માર્ચ 2021ના 5 ટકાથી વધીને માર્ચ 2026માં 24 ટકા થયો છે. બીજી તરફ, એક વર્ષથી ઓછા સમયના રોકાણનો હિસ્સો પણ 11 ટકાથી વધીને 24 ટકા થયો છે.એકથી બે વર્ષના રોકાણનો હિસ્સો જોકે 35 ટકાથી ઘટીને 19 ટકા થયો છે. આમ, મહિલાઓમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માત્ર વધ્યું જ નથી, પરંતુ તેમની રોકાણની રીત પણ વધુ આયોજનબદ્ધ અને સમય તથા જોખમને ધ્યાનમાં રાખીને બદલાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application