પાડોશી મુલક પાકિસ્તાનમાં ગરીબી છેલ્લા છ વર્ષમાં નોંધપાત્ર રીતે વધી છે. તાજેતરના આંકડાઓ મુજબ ૨૦૧૮-૧૯માં જ્યાં લગભગ ૨૨ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા, ત્યાં હવે ૨૦૨૪-૨૫માં આ આંકડો વધીને આશરે ૨૯ ટકા સુધી પહોંચી ગયો છે. એટલે કે હવે લગભગ દરેક ત્રણમાંનો એક વ્યક્તિ ગરીબીમાં જીવન જીવી રહ્યો છે.બીજી તરફ દક્ષીણ એશિયાના દેશોમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે ત્યારે પાકિસ્તાને આ અંગે વિચારવા જેવું તો ખરું જ.
આ વધારા પાછળ ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. દેશમાં લાંબા સમયથી આર્થિક સંકટ ચાલે છે. મોંઘવારી સતત વધી રહી છે, જેના કારણે ખાદ્ય વસ્તુઓ અને રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ મોંઘી બની ગઈ છે. આવક વધતી નથી, પરંતુ ખર્ચ વધી રહ્યો છે. પરિણામે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.કોરોના મહામારી બાદ વ્યવસાય અને રોજગારી પર પણ ખરાબ અસર પડી હતી. ઘણા લોકોની નોકરીઓ ગઈ અથવા આવક ઘટી ગઈ. ત્યારબાદ કુદરતી આફતો અને આર્થિક સુધારણા માટે લેવામાં આવેલા કડક પગલાંઓનો પણ લોકો પર ભાર પડ્યો. કર અને વીજળી-ઇંધણના ભાવમાં વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગ વધુ મુશ્કેલીમાં મુકાયા.
કોઈ પણ ભોગે રોજગાર વધારવા વિશ્વ બેંકની ચેતવણી
વિશ્વ બેંક અને અન્ય સંસ્થાઓ પણ ચેતવણી આપી રહી છે કે જો રોજગાર વધારવા અને મોંઘવારી કાબૂમાં લેવા માટે અસરકારક પગલાં નહીં લેવાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.પાકિસ્તાનમાં ગરીબીની સમસ્યા વધી રહી છે અને સામાન્ય લોકોનું જીવન વધુ કઠિન બની રહ્યું છે. હવે સરકાર માટે સૌથી મોટી પડકારરૂપ બાબત એ છે કે લોકોની આવક કેમ વધે અને જીવન જરૂરી ચીજવસ્તુઓ સસ્તી થાય.