BREAKING NEWS

રિયાધમાં તાજા હુમલાનો જોરદાર ધમાકો સંભળાયો: સાઉદી એર ડિફેન્સે બેલેસ્ટિક મિસાઈલને હવામાં જ નિષ્ફળ બનાવી હોવાનો દાવો

  • October 14, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલાઓ વચ્ચે બુધવારે સાઉદી અરેબિયામાં ફરી એકવાર નવા ધડાકાના અવાજ સંભળાયા છે. દેશની રાજધાની રિયાધમાં બુધવારે થયેલા આ તાજા હુમલા માટે પડોશી દેશ યમનમાં સક્રિય હૂતી વિદ્રોહીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને સુરક્ષા દળો હાઇ એલર્ટ પર આવી ગયા છે.

સાઉદી અરેબિયાના સૈન્ય અધિકારીઓએ આ હુમલા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્રોહીઓ તરફથી છોડવામાં આવેલી મિસાઇલ એક અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઇલ હતી. જોકે સાઉદી એર ડિફેન્સ સિસ્ટમે આક્રમક કાર્યવાહી કરીને તે મિસાઇલને રસ્તામાં જ (હવામાં) સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલાના કારણે કોઈ પણ પ્રકારની જાનમાલની ખુવારી કે મોટું નુકસાન થયું નથી. બીજી તરફ હૂતી વિદ્રોહીઓ દ્વારા આ દાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


ઉલ્લેખનીય છે કે હૂતી વિદ્રોહીઓ સતત સાઉદી અરેબિયાના તેલના મહત્વપૂર્ણ ઠેકાણાઓ, સૈન્ય મથકો અને એરપોર્ટ પર હવાઈ હુમલા કરીને તેને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના હુમલા બાદ કેટલાક મહત્વપૂર્ણ સ્થળો પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જેના કારણે ગ્લોબલ માર્કેટમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે તેઓ આ બાબતે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે કે શું યુએસએ (USA) એ હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ સાઉદીના આ સૈન્ય અભિયાનમાં સીધા સામેલ થવું જોઈએ કે નહીં.


સાઉદીના સ્થાનિક રહવાસીઓએ પણ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે આ વિસ્તારમાં પ્રચંડ ધડાકો સંભળાયો હોવાની પુષ્ટિ કરી છે. રિયાધનું કિંગ ખાલીદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છેલ્લા 1 સપ્તાહમાં અનેકવાર ઘાતક હુમલાઓનું નિશાન બની ચૂક્યું છે. હૂતી વિદ્રોહીઓ તેલ ક્ષેત્રો અને હવાઈ મથકો પર વધુ હુમલા કરવાની સતત ધમકીઓ આપી રહ્યા છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ પોતાની ફ્લાઈટો સ્થગિત કરી રહી છે.



વિશ્વની સૌથી મોટી તેલ નિકાસકાર કંપનીઓમાંની એક એવી 'સાઉદી અરામકો' ના એક પરિસરમાં આવેલી વહીવટી ઇમારતમાં મંગળવારે આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી. હાલ સાઉદી અરેબિયા અમેરિકા જેવા મિત્ર દેશો પાસેથી વધુ સૈન્ય મદદ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે જેથી હુમલાના આ જોખમને ઘટાડી શકાય. આ વચ્ચે સાઉદી અરેબિયાના ફાઇટર જેટ્સ દ્વારા વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારો પર જવાબી હવાઈ હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application