ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૬ ડિસેમ્બર હતી તેમાં બોર્ડે વધારો કરીને હવે તારીખ 10 ડિસેમ્બરની કરી છે. પરીક્ષાર્થીઓ આ સમયગાળા દરમિયાન બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવના જણાવ્યા મુજબ તારીખ 11 ડિસેમ્બર થી તારીખ 22 ડિસેમ્બર સુધી અલગ અલગ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવશે. તારીખ 11 થી તારીખ 14 રૂપિયા 250, તારીખ 15 થી તારીખ 18 રૂપિયા 300 અને તારીખ 19 થી તારીખ 22 સુધી રૂપિયા 350 ની લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે.
તારીખ 22 ડિસેમ્બર સુધી કોઈપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે અને તે માટે અલગથી કોઈ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ બાકી હોય તો તે પણ તારીખ 22 ડિસેમ્બરના રાત્રીના 12:00 વાગ્યા સુધી જ કરી શકાશે. તારીખ 22 ડિસેમ્બર પછી કોઈ વિદ્યાર્થીનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે઼ જોકે લેઇટ ફી માંથી કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને મુક્તિ આપવામાં આવશે નહીં તેવી પણ સ્પષ્ટતા બોર્ડે કરી છે.