BREAKING NEWS

જામનગરમાં એઆઇથી વિડીયો બનાવી ખંડણી રેકેટનો પર્દાફાશ

  • January 19, 2026 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના બિલ્ડર અને રાજકીય અગ્રણીના અગ્રણી એઆઇથી વાંધાજનક વિડીયો બનાવી બદનામ કરવા ખંડણીનું રેકેટ ચલાવતા મુખ્ય સુત્રધાર અને તેના મળતીયાઓને સાયબર ક્રાઇમ પોલીસે પકડી લીધા છે, રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરવામાં આવી હતી અને ડેટાના આધારે તપાસ આગળ ધપાવી છે.


સાયબર ક્રાઇમને લગત ગુનાઓનું પ્રમાણ વધતા સાતીરોને પકડી પાડવા સુચના કરતા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના વડપણ હેઠળ ડીવાયએસપી ઝાલા અને સાયબર ક્રાઇમના પીઆઇ આઇ.એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ તપાસ વેગવંતી બનાવવામાં આવી હતી.


ગત સપ્ટેમ્બરના સમયગાળામાં આરોપી ફેશબુક આઇડી વિશાલ કણસાગરા તથા ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારકે બિલ્ડર જમન ફળદુ તેના પુત્ર જસ્મીનભાઇ તેમજ પુર્વ કૃષી મંત્રી રાઘવજીભાઇ પટેલ અને બિલ્ડર સ્મીત પરમારને સોશ્યલ મિડીયાના માઘ્યમથી બદનામ કરવાના ઇરાદે બદનક્ષી થાય, કોઇને કોઇ પ્રકારે ફરીયાદી તથા સાહેદ પાસેથી નાણા પડાવવા, ખંડણી લેવા અને આરોપી પોતાની સસ્તી પ્રસિઘ્ધી મેળવવા માટે ફોટા એઆઇની મદદથી એડીટ કરી વિકૃત કરી અલગ અલગ વિડીયો અને ફોટાઓ બનાવી આરોપીએ પોતાની આઇડીમાં વાયરલ કર્યા હતા.


આ બાબતે જુદી જુદી ફરીયાદો દાખલ થઇ હતી જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, તાજેતરમાં બિલ્ડર સ્મીતભાઇને બદનામ કરવાની પોસ્ટ ડીલીટ કરવા માટે ફરીયાદી પાસે ૫૦ લાખની ખંડણી માંગી હતી જેમાં આરોપી વિશાલે વાત કરી ૨૩ લાખ ખંડણી આપવાનું નકકી કર્યુ હતું તેમજ અન્ય ભોગ બનનાર પાસેથી ૨ લાખની ખંડણી વસુલી મુખ્ય આરોપીના પિતા અગાઉ પકડાયેલ આરોપી હેમત કણસાગરાએ સ્વીકારી તેમજ અન્ય આરોપી રાજેન્દ્રસિંહ સોલંકીએ ઉપરોકત દાખલ થયેલ ગુનાઓ બાબતની પોસ્ટની વિગતો તથા માહિતી મુખ્ય આરોપી સુધી પહોચાડી ખંડણી રેકેટનો ભાગ બની ગુનો કરી પકડાયેલ છે આમ સોશ્યલ મિડીયાના ઉપયોગ થકી ખંડણી નેટવર્કનો પર્દાફાશ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો છે.


આ પ્રકરણમાં પકડાયેલ આરોપીઓમાં મુળ જામજોધપુરના વસંતપુરના વતની હાલ જુનાગઢ વાડલા ફાટક પાસે રોયલ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨ ખાતે રહેતા વિશાલ ઉર્ફે કાનો હેમત કણસાગરા સામે આઇટી એકટ મુજબ તેમજ રાણાવાવ પોલીસ સ્ટેશન, સીટી-સી ડીવીઝન, સીટી-એમાં ૧૦ જેટલા ગુના નોંધાયેલા છે.
​​​​​​​

આરોપી પરસોતમ ઉર્ફે પસા મહેન્દ્ર પરમાર રહે. લક્ષ્મીપાર્ક લાલપુર તથા હેમત ત્રિકમ કણસાગરા રહે. વાડલા ફાટક રોયલ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ ૨૦૨ મુળ વસંતપુર તથા રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી રહે. સહજાનંદ સોસાયટી ત્રિકોણ બાગ ધ્રોલ, મુળ ધોરાજીના જમનાવડ ગામના વતનીનો સમાવેશ થાય છે.  રીમાન્ડ પર રહેલ આરોપીની સધન પુછતાછ અને મોબાઇલ ડેટા રીકવર કરવામાં આવ્યો છે. ઉપરોકત કાર્યવાહી સાયબર ક્રાઇમના પીઆઇ ધાસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિકી ઝાલા, પ્રણવ વસરા, રાજેશ કરમુર, દર્શિત સીસોદીયા, રાજેશ પરમાર વિગેરે ટેકનીકલ એનાલીસીસ અને માહિતી એકત્ર કરીને કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application