BREAKING NEWS

ફેસબુક-ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમના એકતરફી નેરેટિવને પ્રોત્સાહન ન આપો

  • October 20, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સંચાલન કરતી કંપની મેટા સામે કેન્દ્ર સરકારે હવે માત્ર કન્ટેન્ટ હટાવવા કે તેની દેખરેખ રાખવા પૂરતા સવાલો ઉઠાવ્યા નથી, પરંતુ પ્લેટફોર્મ પર કઈ સામગ્રીને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે છે તે નક્કી કરતા અલ્ગોરિધમ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયએ મેટાને સ્પષ્ટ સૂચના આપી છે કે તેના પ્લેટફોર્મ પર યુઝર્સ સતત એક જ પ્રકારના નેરેટિવ, એકતરફી માહિતી અથવા ભ્રામક સામગ્રીના સંપર્કમાં ન આવે.સરકારે ચેતવણી આપી છે કે જો કન્ટેન્ટની ભલામણ કરતી સિસ્ટમ કોઈ ચોક્કસ પ્રકારની સામગ્રીને જરૂર કરતાં વધુ પ્રોત્સાહન આપે તો તેનાથી લોકોમાં ગેરસમજ, ભય અને જાહેર વ્યવસ્થા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે કે ઘણી વખત જાહેર ઘટનાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા સંવેદનશીલ પરિસ્થિતિઓ સાથે જોડાયેલા વીડિયો, તસવીરો અને ગ્રાફિક્સ પૂરતા સંદર્ભ વિના મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી જાય છે. જો અલ્ગોરિધમ આવી સામગ્રીને વારંવાર યુઝર્સ સમક્ષ રજૂ કરે તો તેનાથી લોકોમાં ગેરસમજ અને આશંકા ફેલાવાનું જોખમ રહે છે.સરકારની એડવાઇઝરીમાં જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલી ઘટનાઓ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જૂની તસવીરો અને વીડિયોને નવી ઘટનાના નામે રજૂ કરવા, એડિટ કરેલા દૃશ્યો, કટોકટીના પ્રતિબંધો અથવા પોલીસ કાર્યવાહી અંગેના અપુષ્ટ દાવાઓ તેમજ પૂરતા સંદર્ભ વિનાના ઑડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.સરકારનું માનવું છે કે આવી સામગ્રી ઝડપથી ફેલાય તો તેની અસર માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ જોવા મળી શકે છે.મેઇટીએ મેટાને એવી મજબૂત વ્યવસ્થા વિકસાવવા જણાવ્યું છે, જે અલ્ગોરિધમના માધ્યમથી અસામાન્ય રીતે વધુ લોકો સુધી પહોંચતી પોસ્ટ્સ અને સામગ્રીને ઓળખી શકે. આવી સામગ્રીની સમયસર સમીક્ષા કરવામાં આવે અને જરૂર જણાય તો ઉચ્ચ સ્તરે કાર્યવાહી માટે મોકલવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જે સામગ્રીથી મોટા પાયે ગેરસમજ, હિંસા અથવા જાહેર શાંતિ ભંગ થવાનું જોખમ હોય તેના પર વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે.જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેનો હેતુ કાયદેસર અભિવ્યક્તિ અથવા જાહેર ચર્ચાને રોકવાનો નથી. મેટાએ પોતાની સુરક્ષા અને કન્ટેન્ટ મૉડરેશન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જોઈએ, પરંતુ તેના કારણે લોકશાહી સંવાદ અને કાયદેસર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર બિનજરૂરી નિયંત્રણો ન આવવા જોઈએ.મંત્રાલયે મેટાને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા અને તેના પાલન અંગે માહિતી આપવા નિર્દેશ આપ્યો છે. જોકે, એડવાઇઝરીમાં કોઈ ચોક્કસ પોસ્ટ, ઘટના કે કન્ટેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મેટા પોતાના અલ્ગોરિધમમાં કયા ફેરફારો કરશે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application