BREAKING NEWS

ધોરાજીમાં કંપનીના રેપર લગાવી ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરતું કારખાનું ઝડપાયું

  • December 26, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ પાન-મસાલા અને તમાકુનું ઉત્પાદન કરતું કારખાનું ધમધમતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે તમાકુ, ડુપ્લીકેટ રેપર્સ અને પેકિંગ મશીનરી સહિત રૂ. ૫૨,૫૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જાણવા મળતી વિગતો વિગતો મુજબ, કોપીરાઈટ પ્રોટેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ મુકેશભાઈ પટેલે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની કંપનીની તમાકુ જેવી ડુપ્લીકેટ તમાકુનું ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલા નેવી ટાવર, બ્લોક નં. F-3 માં રહેતો અફનભાઈ આરીફભાઈ જાનુહસન પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુનું ડુપ્લીકેટ ઉત્પાદન કરી રહ્યો છે. જેથી ધોરાજી પોલીસ અને કોપીરાઈટ અધિકારીઓની ટીમે દરોડો પાડતા વિમલ પાન મસાલાના ડુપ્લીકેટ પેકેટ નંગ ૨૩૦ (કિંમત રૂ. ૨૭,૬૦૦).બાગબાન તમાકુના ખાલી પાઉચ અને કાગળના રોલ.૩૦ કિલો જેટલી હલકી ગુણવત્તાની છૂટક તમાકુ.૧ કિલો મેન્થોલ (ફ્લેવર માટે).પેકિંગ માટેનું ગજાનંદ કંપનીનું ઈલેક્ટ્રીક મશીન, વજન કાંટો અને હીટગન. કુલ મુદ્દામાલ: રૂ. ૫૨,૫૯૦.મળી આવ્યો હતો

આરોપી અફનભાઈ કોઈ પણ જાતના લાયસન્સ વગર પોતાના ઘરમાં જ મીની ફેક્ટરી ચલાવતો હતો. તે બજારમાંથી હલકી ગુણવત્તાની છૂટક તમાકુ અને મેન્થોલ લાવી, તેનું મિશ્રણ તૈયાર કરતો હતો. ત્યારબાદ વિમલ અને બાગબાન જેવી નામી કંપનીઓના હુબહુ ડુપ્લીકેટ પાઉચ અને રેપરમાં આ નકલી માલ ભરી, ઈલેક્ટ્રીક મશીન દ્વારા સીલ કરી દેતો હતો. આ ડુપ્લીકેટ માલ અસલ તરીકે ગ્રાહકોને પધરાવી દેતો હતો.

પોલીસે આરોપી અફનભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮(૪) અને કોપીરાઈટ એક્ટની કલમ ૬૩ અને ૬૫ હેઠળ ગુનો નોંધી ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડુપ્લીકે માલ કયાં સપ્લાય થતો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application