બીમાર અને લાચાર દર્દીઓ માટે જે પ્લાઝમા આશીર્વાદરૂપ અને નવું જીવન આપનારું સાબિત થાય છે, તેની સાથે પણ લાલચુ તત્વો રમત રમી રહ્યા છે તે સમાજ માટે સૌથી મોટો આઘાત છે. પૈસા કમાવવાની અંધ આંધળૂકિયા દોડમાં માણસ આટલી હદે ક્રૂર બની શકે કે કોઈના જીવ સાથે ખિલવાડ કરવા બેસે, તે જાણીને જ રૂંવાડા ઉભા થઈ જાય છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ (SOG) આવા જ એક અત્યંત સંવેદનશીલ અને કાળા કારોબારનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજી (Special Operations Group) એ તાજેતરમાં પકડેલા નકલી બ્લડ પ્લાઝમા રેકેટમાં ચોંકાવનારા અને હૃદય કંપાવી દે તેવા ખુલાસા થયા છે. આ ગુનાના છેડા હવે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની બ્લડ બેંકો અને મુંબઈના ફાર્મા નેટવર્ક સુધી લંબાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે મુખ્ય આરોપી દિનેશ ચૌધરીને અદાલતમાં રજૂ કરીને તેના ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મહારાષ્ટ્રની ૨ બ્લડ બેંકોની સંડોવણી ખુલી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, ગુજરાતમાંથી ચોરી કરાયેલું અને શંકાસ્પદ રીતે ભેળસેળ યુક્ત બનાવેલું પ્લાઝમા મહારાષ્ટ્રમાં મોકલવામાં આવતું હતું. મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં આવેલી 'ગજાનંદ બ્લડ બેંક' અને 'વાશીમ બ્લડ બેંક' માં આ કાળો માલ સપ્લાય થતો હતો. આ નેટવર્કમાં મોહન ગાયકવાડ નામનો શખ્સ મુખ્ય કડી હતો, જે ગુજરાતમાંથી ચોરીનું પ્લાઝમા મેળવીને મહારાષ્ટ્રની આ બ્લડ બેંકો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો.
ફાર્મા કંપનીનો ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે જે વ્યક્તિને બ્લડ પ્રોડક્ટ્સની સાચી પરખ અને વહીવટની ખબર હતી, તેણે જ આ કૌભાંડ રચ્યું. પકડાયેલો મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ જાણીતી ફાર્મા કંપની 'ઇન્ટાસ ફાર્મા' માં બ્લડ પ્લાઝમા એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. આ ક્ષેત્રનો પૂરતો અનુભવ અને કનેક્શન્સ મેળવ્યા બાદ તેણે નોકરી છોડી દીધી અને મોહન ગાયકવાડ સાથે હાથ મિલાવીને આ જીવલેણ રેકેટ શરૂ કરી દીધું.
હવે તપાસ માટે પોલીસ ટીમ મુંબઈ જશે
આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું દિનેશ ચૌધરીએ ગુજરાતની સ્થાનિક હોસ્પિટલો કે બ્લડ બેંકોમાં પણ આવું કોઈ ગેરકાયદે કે નકલી પ્લાઝમા વેચ્યું છે? આ નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કોઈ મોટી ફાર્મા કંપની કે વચેટિયા સામેલ છે કે કેમ, તે જાણવા માટે પોલીસની એક સ્પેશિયલ ટીમ આરોપી દિનેશને સાથે રાખીને મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં તપાસ માટે રવાના થવાની તૈયારી કરી રહી છે.