ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ પણ બૂટલેગરો અવનવા નુસખા અપનાવીને લોકોના જિંદગી સાથે ચેડાં કરી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં સસ્તા વિદેશી દારૂમાં કેમિકલ અને ફ્લેવર ઉમેરીને તેને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાના કૌભાંડનો પોલીસે ખુલાસો કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિકોલ પોલીસે દરોડો પાડીને આ ગેરકાયદે કારોબારમાં સંકળાયેલા એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેનો મુખ્ય સાથીદાર પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નિકોલ વિસ્તારમાં નકલી અને મોંઘી બ્રાન્ડનો દારૂ બનાવીને સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે નિકોલ સ્થિત અટલ આવાસ યોજનાના મનાતા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. મોડી રાત્રે અટલ આવાસ યોજનાના પાછળના ગેટ નજીકથી એક શંકાસ્પદ સ્કૂટરચાલક પસાર થતાં પોલીસે તેને ઘેરી લીધો હતો. રોકીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજા (ઉંમર ૨૬, રહે. અટલ આવાસ યોજના, નિકોલ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે જ્યારે સુનિલના સ્કૂટરની ડિક્કી ખોલીને તપાસ કરી ત્યારે તેમાંથી મોંઘી બ્રાન્ડની બ્લેન્ડેડ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આરોપીની આકરા પાણીએ પૂછપરછ કરાતા તેણે પોતાના ભાગીદાર દિનેશ સાથે મળીને આ નેટવર્ક ચલાવતો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે દિનેશના કુબેરનગર સ્થિત મકાન પર પણ દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસને નકલી દારૂ બનાવવા માટે વપરાતી કેમિકલ અને વિવિધ ફ્લેવર ભરેલી ધાતુની ચાર તેમજ પ્લાસ્ટિકની ચાર નાની બોટલો, મોબાઈલ ફોન અને ઓળખપત્ર મળી આવ્યા હતા. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂ. ૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સુનિલ અને ફરાર આરોપી દિનેશ છેલ્લા એકાદ વર્ષથી આ કાળો કારોબાર ચલાવતા હતા. તેઓ ચામુંડા બ્રિજ નીચે આવેલી ભંગારની દુકાનોમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, તેના ઢાંકણાં અને લેબલ ખરીદી લાવતા હતા. ત્યારબાદ ઘરમાં જ સસ્તા વિદેશી દારૂમાં પાણી, કેમિકલ અને બ્રાન્ડ મુજબની ચોકલેટ કે અન્ય ફ્લેવર ઉમેરીને નકલી સીલ મારી દેતા હતા અને ગ્રાહકોને અસલી મોંઘા દારૂ તરીકે ઊંચા ભાવે વેચતા હતા. હાલ પોલીસે સુનિલની અટકાયત કરી છે અને ફરાર આરોપી દિનેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.