શહેરના સોની બજાર વિસ્તારમાં કોઠારીયા હોસ્પિટલ પાસે અયાન ટૂલ્સ નામની દુકાન ધરાવનાર અને અહીં જ રહેતા પરિવાર સાથે પાડોશમાં રહેતા પરિવારએ ઝઘડો કરી દુકાનમાં ઘૂસી આવી દંપતીને મારમાર્યો હતો. મોબાઈલ અને લેપટોપમાં તોડફોડ કરી હતી. દંપતીના પુત્રને આરોપીના પુત્ર સાથે ઝઘડો થયો હોય જે બાબતે સમજાવવા જતા આ હુમલો કર્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સોની બજાર કોઠારીયા હોસ્પિટલ પાછળ ગોલ્ડન ગેટ પાસે અયાન ટુલ્સ નામની દુકાન ધરાવતા અને અહીં જ રહેતા અસ્માબેન આસિફભાઇ શેખ (ઉ.વ. 28) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં તેમની દુકાનની સામે જ રહેતા અસલમ પીરભાઈ પરમાર તેની પત્ની અને તેના 15 વર્ષના પુત્રના નામ આપ્યા છે.મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં અયાન ટૂલ્સ નામની દુકાન ચલાવે છે.
તા.23/11 ના બપોરના સમયે તેમનો પુત્ર અયાન(ઉ.વ.૮) બાજુમાં વ્રજવાટિકા ફ્લેટમાં રમતો હતો ત્યારે દુકાનની સામે રહેતા અસલમભાઈના પુત્રએ અયાનને મારમાર્યો હતો જેથી મહિલા તથા તેમના પતિ આશિફભાઈ બંને અસલમભાઈના ઘરે સમજાવવા માટે ગયા હતા ત્યારે અસલમભાઈની પત્નીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા તેના પતિને ગાળો આપી હતી અને બાદમાં પતિ અસલમ ભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ દંપતી અહીં દુકાને આવી જતા થોડીવાર બાદ અસ્લમભાઈ અહીં આવ્યા હતા અને ફરિયાદીના પતિ આસિફભાઇને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. જેથી તેઓ દુકાની અંદર આવી ગયા હતા.
થોડીવાર બાદ અસલમ તેની પત્ની અને તેનો પુત્ર ત્રણેય અહીં દુકાનમાં આવ્યા હતા અને મારામારી કરવા લાગ્યા હતા. અસ્લમભાઈની પત્નીએ દુકાનમાં લેપટોપ અને મોબાઈલ ઘા કરીને તોડી નાખ્યો હતો. સગીરભાઈના પુત્રએ દુકાનમાં રહેલ ટૂલ્સ સાધનો છૂટો ઘા કરતા ફરિયાદીને આંખનાભાગે ઈજા પહોંચી હતી. બાદમાં આ ત્રણેય અહીંથી જતા રહ્યા હતાં. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે અંગે મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.