BREAKING NEWS

ખેડૂતે પેટે વીજપોલ બાંધી કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો, મગફળીનો પાક નષ્ટ જતા પગલું ભર્યું, સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

  • November 04, 2025 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામમાં મગફળીનો પાક નિષ્ટ થતા એક ખેડૂતે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. ખેડૂતના આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી કૂવામાં ઝંપલાવ્યું

મળતી માહિતી મુજબ ઉના તાલુકાના રેવદ ગામમાં રહેતા 49 વર્ષના ખેડૂત ગફાર મૂસા ઉનડે ગઈકાલે સાંજે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.  ખેડૂતે કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી દીધો હતો. ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો. ખેડૂતની શોધખોળ શરૂ કરાઈ હતી. જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે ખેડૂતનો શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળ્યાં હતાં. શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું ત્યારે મૃત હાલતમાં ગફારભાઈ મળી આવ્યા હતા. તેમનો મૃતદેહ બહાર કાઢી તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


9 વીઘામાં મગફળીનો પાક નિષ્ફળ ગયો

મૃતક ખેડૂત ગફારભાઈ 9 વીઘા ખેતીની જમીન ધરાવતા હતા અને તેમના પરિવારનું ગુજરાન ખેતી પર નિર્ભર હતું. મૃતકના પુત્ર ઉજ્જફ ઉનડે કહ્યું હતું કે અમારે નવ વીઘાની માંડવીનું વાવેતર હતું. ત્રણ વીઘાનો એક કટકો છે અને એક છ વીઘાનો કટકો છે, એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતાં બધોય પાક નવેનવ વીઘાનો પાક ધોવાઈ ગયો છે અને પાલો અને માંડવી બધી બગડી ગઈ છે, એના ડિપ્રેશનમાં આવીને મારા પપ્પા ગફારભાઈ કાલે સાંજે 6:00 વાગ્યા આસપાસ કૂવામાં પડીને આત્મહત્યા કરેલી છે.


બે દીકરીની સગાઈ થઈ ગઈ છે

પાક નિષ્ફળ જતાં ખેડૂત ગફાર ઉનડે છેલ્લા કેટલાક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે મંડળીમાંથી 2 લાખ રૂપિયાની લોન લીધી હતી અને બે દીકરીની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. મૃતક ખેડૂત સમાજના અગ્રણી અને સરળ સ્વભાવના હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમની દફનવિધિમાં મોટી સંખ્યામાં સમાજ અને ગામના લોકો જોડાયા હતા.


રેવદ ગામના સરપંચ ભીખા ચંડેરાએ જણાવ્યું હતું કે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસ છે અને તેને પૂરેપૂરું વળતર આપે એવી અમારી નમ્ર વિનંતી અને જે એનું કુટુંબ છે એ બહુ ગરીબાઈમાં જીવે છે. તો તેને હિસાબે તેની ઉપર જે આફત આવી છે એનું કંઈક નિરાકરણ લાવે સરકાર અને તેના ઉપર એક મંડળીનું દેણું પણ હતું. એ દેણું કેમ ભરવું એ હિસાબે એ ડિપ્રેશનમાં આવી ગયા. ડિપ્રેશનના કારણે તેણે આ પગલું ભરેલું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application