BREAKING NEWS

ચાલવા મુદ્દે શેઢા પાડોશીઓ વચ્ચે ધીંગાણું...હુમલામાં ઘવાયેલા ખેડૂતનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો, જસદણના ગોડલાધારનો બનાવ

  • November 27, 2025 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના ગોડલાધાર ગામની સીમમાં શેઢા પાડોશી વચ્ચે ચાલવા બાબતે થયેલી માથાકુટમાં એકબીજા પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા જસદણના ગોડલાધાર ગામે રહેતા કાળુભાઈ પરમાર (ઉં.વ. ૫૦) નામના આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન આધેડનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. 

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગોડલાધારમાં રહેતા ભુરાભાઈ રાહાભાઈ પરમાર દ્રારા તા. ૨૧–૯ના જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોડલાધારમાં રહેતા દહેરુ દિલાભાઈ પરમાર અને રાહત્પલ ઉર્ફે મંગળુ દહેરુભાઈ પરમારના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા. ૧૮–૯ના ફરીયાદીના કાકા કાળુભાઈ વશરામભાઈ પરમાર (ઉ.વ. ૫૦) પર બન્ને આરોપીઓએ ખેતીની જમીન બાજુમાં આવેલી હોય અહીં ચાલવા બાબતે તકરાર ચાલતી હોય જેનો ખાર રાખી માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી કાળુભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈને પ્રથમ જસદણમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટની સિવીલ હોસ્પીટલમાં અને ત્યાર બાદ ગીરીરાજ હોસ્પીટલમાં ખસેડાયા હતા. 


મૃતક ત્રણ ભાઈ અને ત્રણ બહેનના પરિવારમાં વચેટ હતા

આધેડની તબીયત નાદુરસ્ત થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. ત્યારબાદ ફરી તેમની તબીયત બગડતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન આજરોજ વહેલી સવારના તેમનું મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો છે. હત્યાનો ભોગ બનનાર કાળુભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે અને તેઓ ત્રણ ભાઈ અને ત્રણ બહેનના પરિવારમાં વચેટ હતા. 


અત્રે ઉલ્લેખનીય છે કે મારામારી બાદ હત્યામાં પલ્ટાયેલા આ બનાવમાં સામા પક્ષે દહેરુભાઈ દોલાભાઈ પરમાર રહે. ગોડલાધાર દ્રારા પણ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે કાળુભાઈ વશરામભાઈ પરમાર અને સંજયભાઈ લાખાભાઈ પરમારના નામ આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application