રાજ્યભરના ખેડૂતો આજે પોતાના પડતર પ્રશ્નો, ખાસ કરીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનોના મામલે સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. ખેતીની જમીન સંપાદન સામે અપૂરતા વળતર અને ખેડૂતોની સતત થઈ રહેલી કથિત હેરાનગતિના વિરોધમાં આજે હજારો ખેડૂતોએ અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકત્ર થઈને ઐતિહાસિક 'ખેડૂત અધિકાર રેલી'નું આયોજન કર્યું છે.
આજે વહેલી સવારથી જ રાજ્યના ખૂણેખૂણેથી આવેલા હજારો ખેડૂતો ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા સર્કલ પર એકત્ર થયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હાઈવે જાણે ખેડૂતોની છાવણીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોની આ વિશાળ રેલીમાં 1111 ટ્રેક્ટરોનો કાફલો જોડાયો છે, જે શાંતિપુરાથી ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યો છે. આ રેલીને પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને ગાંધીનગરમાં કિલ્લાબંધી જેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ આંદોલન પાછળનું મુખ્ય કારણ ખેતરોમાં નાખવામાં આવતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને તેના બદલામાં મળતું અત્યંત નજીવું વળતર છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકાર અને ખાનગી કંપનીઓ વિકાસના નામે ખેતીલાયક જમીનને બરબાદ કરી રહી છે. આ ઉપરાંત, આજના આ મહાસંગ્રામમાં ખેડૂત સંગઠનો દ્વારા તમામ કૃષિ દેવા માફ કરવાની અને પાકને પોષણક્ષમ ભાવ આપવાની માંગણી પણ બુલંદ કરવામાં આવી છે.
કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ રેલીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. રેલીમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ડૉ. તુષાર ચૌધરી આ રેલીને સંબોધન કરી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ પર આકરા પ્રહાર કરશે.
ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો સરકાર તાત્કાલિક અસરથી ખેડૂતોની ન્યાયિક માંગણીઓનો સ્વીકાર નહીં કરે, તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. હાલમાં 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચેલી આ ખેડૂત શક્તિ સરકાર માટે મોટો પડકાર બની રહી છે. ખેડૂતો પોતાની જમીન અને હકના રક્ષણ માટે મક્કમતાથી અડગ ઊભા છે.