BREAKING NEWS

જામનગરમાં હોટલના ભાગીદારોના વિવાદમાં કર્મચારી પર જીવલેણ હુમલો

  • November 27, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરની જાણીતી વિશાલ હોટલના ભાગીદારોના ચાલતા વિવાદમાં એક કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે,  એકાઉન્ટન્ટને નોકરી છોડી દેવા માટે ધમકી દઇને માર મારવામાં આવ્યો હતો, આ અંગે કાવતરૂ રચનાર એક ભાગીદાર અને તેના મળતીયાઓ સહિત ૧૩ સામે હત્યા પ્રયાસ અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.


જાણવા મળતી વિગત મુજબ જામનગરના સત્યમ કોલોની રોડ, નેશનલ કોમ્પ્યુટર પાસે રહેતા અને વિશાલ હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચંદુભાઇ ચુડાસમા (ઉ.વ.૪૮)ના શેઠ મિતેશભાઇ કનખરા તથા અન્ય એક ભાગીદાર સાથે વિશાલ હોટલમાં ભાગીદારી બાબતે વિવાદ ચાલતો હોય જેથી ફરીયાદી અમિતભાઇને હોટલમાંથી પોતાની નોકરી છોડીને જતા રહે એ માટે આરોપી એક ભાગીદારે ગુનાહીત કાવતરૂ રચ્યુ હતું.


દરમ્યાન કાવતરાના ભાગરૂપે તેમના માણસોને મોકલ્યા હતા અને તા. ૨૬ના રાત્રીના ૧૨-૩૦ વાગ્યાના અરસામાં ફરીયાદી અમિતભાઇને ફોન કરીને સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે બોલાવ્યા હતા, જયાં નોકરી છોડી દેવા જણાવ્યુ હતું, દરમ્યાન આરોપીઓએ ઉશ્કેરાઇને મારી નાખવાના ઇરાદે પાઇપ, લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં અમિતભાઇને માથા, આંખ, કાન, છાતી, પાંસડી, પગના ભાગે ગંભીર - જીવલેણ ઇજાઓ પહોંચાડી આરોપીઓ ભાગી ગયા હતા. 


દરમ્યાન ઇજાગ્રસ્ત કર્મચારી અમિતભાઇને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા અને જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ બનવા અંગે આશરે ૨૫ વર્ષથી એકાઉન્ટ તરીકે વિશાલ હોટલમાં નોકરી કરતા અમિત ચંદુભાઇ ચુડાસમા દ્વારા સીટી-સી ડીવીઝનમાં મિલન હંજડા, અનિલ ભદ્રા અને અજાણ્યા શખ્સો મળી કુલ ૧૩ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૯, ૬૧, ૧૧૮(૨), ૧૮૯(૨), ૧૯૦, ૩૫૨, ૩૫૧(૩) તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવતા આ અંગેની તપાસ સીટી-સી ડીવીઝનના પી.આઇ. એન. બી. ડાભી ચલાવી રહયા છે. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application