કુવાડવા જીઆઇડીસીમાં આવેલા ડીઝલ એન્જીન બનાવતા બ્રાયન ઇન્ટરનેશનલ નામના કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાન ઉપર સાથી કર્મીએ ઝગડો કરી કોઈ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા યુવકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાઈ રહી છે. બનાવના પગલે કારખાનાના માલિકે હુમલોકરનાર કર્મચારી શખસ સામે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. હુમલાની સમગ્ર ઘટના કારખાનામાં આવેલા સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજ મેળવવા પણ તજવીજ હાથ ધરી છે.
બંને દારૂ પીવા બેઠા હોય ત્યારે મશ્કરીમાં ઝગડો થયો હતો જેનું મનદુઃખ રાખી હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો વતની અને હાલ કુવાડવા જીઆઇડીસી પ્લોટ નંબર 93માં આવેલા બ્રાયન ઇન્ટરનેશનલ નામના ડીઝલ કારખાનામાં કામ કરતો અને ત્યાંજ કારખાનાની ઓરડીમાં રહેતો વિશાલ જયનારાયણ ભારતી (ઉ.વ.24) રાત્રીના બારેક વાગ્યે કારખાનાની ઓરડી પાસે હતો ત્યારે સાથે કામ કરતો બિહારનો વતની અવધેશ શિવકુમારસિંહે કોઈ બાબતે ઝગડો કરી ઢીકાપાટુનો મારમારી કોઈ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા યુવક લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવના પગલે બાજુની ઓરડીમાં રહેતા શ્રમિકો દોડી ગયા હતા અને વધુ મારમાંથી છોડાવી શેઠ જયેશભાઈને ફોન કરી બનાવની જાણ કરતા જયેશભાઈ કારખાને તાકીદે પહોંચ્યા હતા અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી કારખાના માલિક જયેશભાઈ અમૃતભાઈ વસોયા (રહે-રાજવાટિકા સોસાયટી, પુષ્કરધામ મેઈન રોડ)ની ફરિયાદ પરથી કારખાનામાં કામ કરનાર અવધેશ સામે બીએનએસની કલમ 190(1), 115(2) સહીત હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બંને શ્રમિકો બાજુ બાજુના જ રૂમમાં રહેતા હતા, ક્યાં કારણોસર ઝગડો થયો તે અંગે કારખાનેદાર અજાણ હોય પરંતુ હોસ્પિટલે સાથે રહેલા કર્મીના જણાવ્યા મુજબ બંને રાત્રે દારૂ પીવા સાથે બેઠા હતા અને બંને વચ્ચે મશ્કરીમાં મામલો બિચક્યો હતો ત્યારે બંનેને છુટા પાડ્યા હતા બાદ બધા સુઈ ગયા હતા ત્યારે જેણે છુટા પાડ્યા હતા એ નિતેશના રૂમમાં અવધેશએ તાળું મારી વિશાલનો રૂમ ખટખટાવી બહાર બોલાવ્યો હતો અને ઝગડો કરી હુમલો કર્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી ફૂટેજ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.