રાજકોટ કાળીપાટ ગામે ફાકી બાબતે યુવાનને ગાળો આપી ઘર પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં યુવાનના મોટા બાપુ અને તેના પુત્ર પર તલવાર વડે હુમલો કરાયો હતો. જે અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં બે શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરના કાળીપાટ ગામે શંકર મંદિરની બાજુમાં કૌટુંબિક સગા જસમતભાઈ મકવાણાના મકાનમાં ભાડેથી રહેતા આશિષ નિલેશભાઈ મકવાણા (ઉ.વ.20) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમના કૌટુંબિક ફઈના પુત્ર જયેશ જીવરાજભાઈ ગોરીયા (રહે. ભારતનગર શેરી નંબર 17, આજીડેમ ચોકડી પાસે) અને અજાણ્યા શખસનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના પાંચેક વાગ્યે આસપાસ બાજુના રૂમમાં રહેતા જસમતભાઈના દીકરી તથા યુવાનના કૌટુંબિક ફઈ સોનુબેન જે રેલનગર ખાતે રહે છે તેઓ ઘરે બેસવા આવ્યા હતા અને બાદમાં યુવાને કહ્યું હતું કે, મારે રેલનગર જેવું છે જેથી તું મને કાળીપાટ ચોકડીએ મૂકી જા. જેથી યુવાન તેમને મુકવા માટે જતો હતો. દરમિયાન સોનુબેનનો પુત્ર જયેશ તથા એક અજાણ્યો શખસ અહીં આવ્યો હતો. યુવાનને જયશે કહ્યું હતું કે, ફાકી લાવ જેથી યુવાને કહ્યું હતું કે, મારી પાસે નથી તેમ કહેતા જયેશ કહેવા લાગ્યો હતો કે, મારી સામે કેમ ઉંચા અવાજે બોલે છે કહી ગાળો આપવા લાગ્યો હતો. જેથી સોનુબેને યુવાનને રૂમમાં પૂરી દીધો હતો બાદમાં જયશે તેના માતા સોનુબેનને કહેતો હતો કે, એને બહાર કાઢો ત્યારબાદ દરવાજા અને મકાનની છત પર ઈંટોના ઘા કરવા લાગ્યા હતા. દરમિયાન યુવકના મોટા બાપુના પુત્ર સુનિલે પોલીસને ફોન કરી બોલાવતા જયેશ અને તેનો મિત્ર ત્યાંથી જતા રહ્યા હતા. યુવાન પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતા તેને સુનિલે ફોન કરી કહ્યું હતું કે, જયેશ અને તેનો મિત્ર ફરી અહીં ઘરે ગાડી લઈને આવ્યા હતા અને ગાળો બોલતા હતા. જેથી યુવાનના મોટા બાપુ વિઠ્ઠલભાઈ અને તેના પુત્ર સાગરે ગાળો બોલવાની ના કહેતા જયેશના મિત્ર ઉશ્કેરાઇ સાગરના ડાબા હાથે કાંડાના ભાગે તલવારનો ઘા મારી દીધો હતો વિઠ્ઠલભાઈ છોડાવવા જતા તેમના હથેળીના ભાગે તલવાર લાગી ગઈ હતી. બાદમાં યુવાન તથા તેના મોટાબાપુ વિઠ્ઠલભાઈ અને સાગર ત્રણેય અહીં પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા હતા. યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application