નોકરી હોય કે પૈસા કે પછી ડિગ્રી શોર્ટકટ મેળવવા જતા હંમેશા લોકો આર્થિક રીતે છેતરાયા હોવાના બનાવ અનેક વખત પોલીસમાં નોંધાયાની સાથે અખબારોમાં પ્રસિધ્ધ થયા છે એમ છતાં લોકો શોર્ટકટનો માર્ગ ભૂલતા ન હોવાથી ફરી એજ ભૂલ કરી છેતરપીંડીનો ભોગ બને છે. આવો વધુ એક કિસ્સો રાજુલામાં બન્યો છે. દીકરીને કાયમી નર્સીંગ કર્મચારી તરીકેની નોકરીની લ્હાયમાં પિતાએ 14.90 લાખ ગુમાવતા અંતે ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા રાજુલા પોલીસે ભાવનગરના ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ રાજુલાના ભેરાઇ રોડ પર રહેતા અને સરકારી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા બાલુભાઈ માલજીભાઈ ગોહિલ (ઉ.વ.45)ની દીકરીએ બીએસસીનો અભ્યાસ પૂર્ણ કરતા નર્સીંગમાં નોકરી મળી રહે માટે મહુવાના કાટીકડા ગામે રહેત મિત્ર અશોક ગોવિંદભાઇ મકવાણાને વાત કરી હતી. અશોકએ કહ્યું હતું કે, મહુવાના દાઠા ગામના શૈલેષ વિનુભાઈ શિયાળ પૈસા લઈને નર્સીંગ કરેલા છોકરા છોકરીને નોકરી અપાવે છે. આથી બાલુભાઈ અને મિત્ર અશોક મકવાણા દાઠા ગામના શૈલેષ શિયાળને મળવા ગયા હતા ત્યાં શૈલેષે માહિતી મેળવી ડોક્યુમેન્ટ અને રૂ.15 લાખની રકમની માગણી કરી હતી. મોટી રકમ હોવાથી આધેડે સમય માગ્યો હતો. થોડા દિવસો બાદ આધેડ મિત્ર ગોવિંદને લઈને શૈલેષ શિયાળને મળવા માટે ગયા હતા ત્યાં રૂ.5 લાખ અને દીકરીના ડોક્યુમેન્ટ આપ્યા બાદ બીજા 10 લાખ મેરીટ લિસ્ટમાં નામ આવી જશે ત્યારે આપીશું તેમ વાતચીત કરી હતી. થોડા દિવસમાં શૈલેષનો આધેડ ફોન આવ્યો હતો અને ઉમેદવારોનું લિસ્ટ થોડા સમયમ આવી જશે કહી બાકીના પૈસાની માગણી કરી હતી. શૈલેષ અને તેની સાથેના એક વ્યક્તિ રાજુલા બલેનો કાર જીજે 21-સીબી-3371 નંબરની લઈને આવ્યા હતા. સાથે રહેલા શખ્સની ઓળખાણ તેન ભાગીદાર શક્તિસિંહ સરવૈયા તરીકે કરાવી હતી. આધેડે ત્યારે પણ રૂ.5 લાખ આપ્યા હતા. બાદમાં ત.5-8ના રોજ ફરી શૈલેષ શિયાળનો ફોન આધેડને આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી દીકરી દર્શનાનું નામ મેરીટ લિસ્ટમાં આવી ગયું છે, તમને વોટ્સએપમાં ઓર્ડર મોકલી આપું છું, આંફારી વિશ્વાસમાં લઇ પૈસાની માંગણી કરી તમે અશોકભાઈના મિત્ર છોવ તો 10 હજાર ઓછા આપજો કહેતા આધેડએ બાકીના આંગડીયા મારફતે 3 લાખ 90 હજાર મોકલ્યા હતા. તા.9-8ના રોજ શૈલેષએ ઓર્ડર લેવા માટે ગાંધીનગર બોલાવ્યા હતા ત્યાં હમણાં વારો આવી જશે કહી આખો દિવસ બેસાડ્યા હતા અને સાંજ થઇ જત હવે કાલે વારો આવશે કહેતા આધેડ સહિતના રોકાઈ ગયા હતા. પરંતુ બીજા દિવસે શૈલેષ ગાયબ થઈ જતા તેને ફોન કર્યો હતો જે ફોન પણ સ્વિચ ઓફ આવ્યો હતો. શૈલેષએ મેસેજ કરી હું બે દિવસ અંગત કામમાં છું ફોન બંધ આવશે તેમ કહ્યા બાદ બે દિવસ પછી ફોન કરી તમારા પૈસા અને ડોક્યુમેન્ટ પાછા લઇ જજો કહેતા આધેડ દાઠા ગામે પૈસા લેવા માટે ગયા હતા. ત્યાં મિત્ર અશોકભાઈએ કહ્યું હતું કે, શૈલેષ અને શક્તિસિંહ બહાર ગયાછે અને તમારો ચેક 10,44000નો આપી ગયા છે અને બાકીના પૈસા રોકડા આપી દેશે આથી આધેડએ ચેક લઈ બેંકમાં જમા કરાવવા જતા ખાતામાં માત્ર રૂ.70 બેલેન્સ હોવાનું બેંક અધિકારી દવારા જણાવતા આધેડએ શૈલેષને ફોન કર્યો હતો પરંતુ ફોન સ્વિચ ઓફ સતત આવતા પોતે છેતરાયા હોવાનું જણાતા અંતે મિત્ર અશોક મકવાણા (રહે.કાટીકડા તા.મહુવા), શૈલેષ વિનુભાઇ શીયાળ, શક્તિસિંહ સરવૈયા (રહે. બંને દાઠા, તા.તળાજા) તથા વિશાલ નામન શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application