અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના વીંછિયા ગામમાં અંધશ્રદ્ધામાં પુત્રની હત્યાની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. 37 વર્ષીય ભારતીબેન પટેલ તેમના પતિ નરેશ અને 10 વર્ષના એકના એક દીકરા કરણ સાથે રહેતા હતા. આશરે દસ દિવસ અગાઉ ભારતીબેનને પતિ નરેશ સાથે કૌટુંબિક ઝગડો થયો હતો, જેમાં નરેશે તેમની સાથે મારપીટ કરી હતી. પતિના ત્રાસથી કંટાળીને ભારતીબેન પોતાના પિયર જતાં રહ્યાં હતાં. જોકે, દીકરા કરણની શાળાની પરીક્ષા ચાલી રહી હોવાથી તેને પિતા નરેશ પાસે જ રાખવામાં આવ્યો હતો. પુત્ર ભુવો ન બને તે માટે પિતા તેને માતાજીની દેરીએ લઈ જઈ ત્યાં પછાડીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.
દરમિયાન ગઈકાલે સાંજના સમયે પડોશીએ ભારતીબેનને ફોન કરીને જાણ કરી હતી કે પતિ નરેશે દીકરા કરણને લાકડી વડે ખૂબ માર માર્યો છે. આ સમાચાર મળતાં જ ગભરાયેલા ભારતીબેન પોતાના માતા, પિતા, ભાઈ અને ભાભી સાથે તાત્કાલિક સાણંદના વીંછિયા ગામ આવવા માટે નીકળી ગયાં હતાં. રાત્રે આશરે નવ વાગ્યે જ્યારે તેઓ પોતાના ઘર પાસે પહોંચ્યા, ત્યારે ઘર નજીક આવેલી જોગણીમાતાની દેરી પાસેનું દ્રશ્ય જોઈને સૌના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
દેરી પાસે મુકેલા એક ખાટલામાં 10 વર્ષનો માસૂમ કરણ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તેની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે તેનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાજુના જ બીજા ખાટલામાં કરણનો પિતા નરેશ આરામથી સૂઈ રહ્યો હતો અને તેના પોતાના કપડાં પર પણ લોહીના ડાઘા સ્પષ્ટપણે દેખાતા હતા. માતા અને પરિવારે જ્યારે નરેશને માસૂમ દીકરાના મોત અંગે પૂછપરછ કરી, ત્યારે તેણે જે ખુલાસો કર્યો તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં.
નરેશે જણાવ્યું કે, મારા પિતા માતાજીના ભુવા હતા અને તેમના પછી હું માતાજીનો ભુવો બન્યો છું. હવે મારા પછી આપણા ઘરમાં અન્ય કોઈ ભુવો ન બને તે માટે મેં કરણને માતાજીની દેરી આગળ બંને પગેથી પકડીને બેથી ત્રણ વખત જમીન પર પછાડ્યો હતો અને માથામાં લાકડીના ફટકા મારીને તેની હત્યા કરી નાખી છે. પિતાના મુખેથી આટલી ક્રૂરતાપૂર્ણ વાત સાંભળીને સ્થળ પર હાજર તમામ લોકો ભારે રોષે ભરાયા હતા અને ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ભારતીબેને તાત્કાલિક સાણંદ પોલીસને જાણ કરી હતી. બનાવની માહિતી મળતાં જ સાણંદ પોલીસ સ્ટેશનની ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરીને એફએસએલની ટીમને બોલાવી સઘન ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાળજું કંપાવનારા મામલે માતા ભારતીબેને પોતાના જ પતિ નરેશ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપી પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને રાઉન્ડઅપ કરવાની સાથે જ ઘટના પાછળના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અંધશ્રદ્ધાના વહેમમાં એક બાપે જ પોતાના માસૂમ કાળજાના ટુકડાની બલિ ચડાવી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ છે.