વૈશ્વિક સ્તરે ઇઝરાયેલ તેમજ અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંકટ અને બદલાયેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની સીધી અસર હવે ગુજરાતના બજારો પર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાઈ છે, જેને કારણે ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો ઈંધણની આ કટોકટી તાકીદે દૂર કરવામાં નહીં આવે, તો ટૂંક સમયમાં જ રાજ્યમાં ૧૨ લાખ જેટલી ટ્રકોના પૈડાં થંભી જશે. બીજી તરફ ખાનગી બસોના ફેરામાં 30 ટકાનો ઘટાડો થયાનું ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે.
એકતરફ બજારમાં ચાલી રહેલી આર્થિક મંદી અને બીજી તરફ ઇંધણની તંગીને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કમર સાવ ભાંગી ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ટ્રાન્સપોર્ટ એસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ તાકીદે રજૂઆત કરી હસ્તક્ષેપ કરવા માંગ કરી છે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકારની કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ મંદીના મારથી પરેશાન હતો, તેમાં ડીઝલની આ અછતે 'પડ્યા પર પાટુ' જેવી સ્થિતિ ઊભી કરી છે. હાલમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો પર 'ડીઝલનો જથ્થો ઉપલબ્ધ નથી' તેવા પાટિયા ઝૂલતા જોવા મળી રહ્યા છે. ડીઝલ મેળવવા માટે ટ્રકચાલકોને એક પંપથી બીજા પંપ સુધી આમતેમ ભટકવું પડી રહ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે જે પંપ ચાલુ છે, ત્યાં પણ વાહનચાલકોને મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ મર્યાદાને કારણે લાંબા અંતરના રૂટ પર નીકળેલા ટ્રકચાલકો અધવચ્ચે જ અટવાઈ પડ્યા છે.
વધુમાં જણાવ્યું છે કે અપૂરતા ઇંધણને કારણે માલસામાનની હેરફેર ખોરવાઈ ગઈ છે અને સમયસર ડિલિવરી ન થવાને કારણે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો બંને મુશ્કેલીમાં મુકાયા છે. આ કટોકટી વચ્ચે હવે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેદાને આવ્યું છે. એસોસિએશને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ટ્રકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થશે, તો આગામી દિવસોમાં લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે. આ ઉપરાંત, જો પરિવહન ઠપ થશે તો બજારમાં શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની તંગી સર્જાશે, જેના કારણે મોંઘવારી આસમાને પહોંચી શકે છે. સરકાર ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ જમીની હકીકત એ છે કે ડીઝલની સમસ્યા દિન-પ્રતિદિન વધુ વકરી રહી છે.
ડીઝલની અછતની પ્રચંડ અસર માત્ર માલવાહક વાહનો પર જ નહીં, પરંતુ મુસાફર પરિવહન સેવા પર પણ પડી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે અછત જોડાતા ખાનગી ટ્રાવેલ્સ બસ સેવાઓ ખોરવાઈ ગઈ છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળવાના કારણે ટ્રાવેલ્સ સંચાલકોએ પોતાની બસોના રૂટમાં ૩૦ ટકા જેટલો મોટો ઘટાડો કરી દીધો છે. બસ માલિકોનું કહેવું છે કે પુરવઠાની અનિયમિતતા વચ્ચે બસો દોડાવવી આર્થિક રીતે જરાય પોસાય તેમ નથી. જો આ નુકસાનની ભરપાઈ કરવા ભાડું વધારવામાં આવે, તો સામાન્ય મુસાફરોનો રોષ વહોરવો પડે તેમ છે. હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરો વચ્ચે દોડતી બસોની સંખ્યા ઘટી ગઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રથી મુંબઈ, દિલ્હી અને મધ્ય પ્રદેશ (એમપી) જેવા અન્ય રાજ્યોમાં જતી લાંબા અંતરની બસોના ફેરામાં પણ ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ સમસ્યાની સૌથી મોટી કિંમત ગ્રામીણ વિસ્તારોના સામાન્ય નાગરિકો અને ખેડૂતોએ ચૂકવવી પડી રહી છે, કારણ કે ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે પણ તેમને ડીઝલ મળી રહ્યું નથી. આ ગંભીર જનસમસ્યાને ધ્યાને લઈને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો હતો. બેઠક બાદ સરકારે સત્તાવાર રીતે જનતાને અપીલ કરી છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી કોઈએ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. નાગરિકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓથી સાવધાન રહેવા જણાવાયું છે. જો કે, સરકારી આશ્વાસનો વચ્ચે પણ જમીની સ્તરે ઈંધણની કટોકટી યથાવત રહેતા લોકોમાં હજુ પણ ચિંતાનો માહોલ છે.